વિધાનસભામાં શું થાય છે એ જનતા જોઇ શકે એવું કરોઃ પરેશ ધાનાણીની માગણી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા સત્રનું લાઇવ પ્રસારણ કરવાને લઇને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. હાલ રાજ્યમાં વિધાનસભાનું લાઇવ પ્રસારણ કરવામાં નહીં આવતા કોંગ્રેસના નેતા તેમજ વિધાનસભા વિરોધ પક્ષના નેતા દ્વારા લાઇવ કરવાની માગ કરવામાં આવી છે .

કોંગ્રેસના નેતા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ પત્ર દ્વારા ગુજરાત વિધાનસભાનું લાઇવ પ્રસારણ કરવા માગ કરી છે. ધાનાણીએ મુખ્યમંત્રીને સવાલ કરતા કહ્યું કે જ્યારે લોકસભા અને રાજ્યસભાનું લાઇવ પ્રસારણ થઇ શક્તું હોય તો ગુજરાતમાં કેમ ના થઇ શકે.

પરેશ ધાનાણીએ પત્રમાં આગળ લખ્યું કે, કે જો વિધાનસભાનું જીવંત પ્રસારણ થાય તો ધારાસભ્ય પ્રજાના પ્રશ્નોને વધુ ગંભીરતાથી રજૂ કરી શકશે. આ સાથે જ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં એડિટ કરીને દર્શાવવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ ધાનાણીએ કહ્યું કે, અનુકૂળતા મુજબ ટીવી-મીડિયાના પત્રકારોને કેમેરા સાથે સંકુલમાં પ્રવેશ આપવામાં આવે છે પરંતુ વિધાનસભાની કાર્યવાહી જીવંત બતાવી શકે તે માટે પ્રવેશ આપવામાં આવતો નથી.

અન્ય રાજ્યોમાં વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય છે તેવી જ રીતે ગુજરાતમાં પણ થવું જોઈએ જેથી પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ વિધાનસભામાં શું ચર્ચા કરે છે તમામ નાગરિકો જોઈ શકે. સાથે એમ પણ કહ્યું કે, જીવંત પ્રસારણ કરવાથી નાગરિકોના પ્રશ્નો પ્રત્યે વધુ ગંભીર બનશે અને વિધાનસભામાં ચર્ચાનું સ્તર ઉચ્ચ કક્ષાનું થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]