અમદાવાદઃ રાજ્યના પાંચ લાખ જેટલા કર્મચારીઓને ટૂંક સમયમાં સરકાર મોટો લાભ કરાવશે. રાજ્ય સરકાર તેમના માટે મોંઘવારી ભથ્થું જાહેર કરવાની તૈયારીમાં છે. આ માટેની પ્રક્રિયા પણ છેલ્લા તબક્કામાં છે. સરકાર દ્વારા આઠ ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કરવામાં આવે એવી શક્યતા છે. સરકાર ગયા વર્ષની જેમ ત્રણ હપતામાં મોંઘવારી ભથ્થું ચૂકવે તેવી શક્યતાઓ છે. આ માટેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.
નાણાપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે મોંઘવારી ભથ્થું જાહેર કરવાની પ્રક્રિયા છેલ્લા તબક્કામાં છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મંત્રી ગોપાલ પંડ્યાએ જણાવ્યું હતું કે મુખ્ય મંત્રી અને નાણાં મંત્રીને કર્મચારીઓને જુલાઈ, 2022થી જે 34 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે એમાં ચાર ટકાનો વધારો કરી 38 ટકા આપવામાં આવે. જાન્યુઆરી, 2023થી જે 38 ટકા આપવામાં આવે છે એમાં ચાર ટકાનો વધારો કરી 42 ટકા કરી આપવામાં આવે.
હાલ જે કેન્દ્ર સરકાર દ્વારા ભથ્થું આપવામાં આવે છે એમાં રાજ્યના કર્મચારીઓને 10-10 મહિના સુધી રાહ જોવી પડે છે. ત્યારે રાજ્યના કર્મચારીઓમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી સાથે અસંતોષની લાગણી જોવા મળી છે. રાજ્ય સરકાર સત્વર કેન્દ્ર સરકારને ધોરણે મોંઘવારી ભથ્થું જાહેર કરે એવી કર્મચારીઓએ માગણી કરી હતી.
દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર છ મહિને તેની ગણતરી કરવામાં આવે છે. એ સંબંધિત પગાર ધોરણને આધારે કર્મચારીઓના મૂળ પગાર અનુસાર ગણવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ હોઈ શકે છે.