સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણકાર્યનું CM સહિત અનેક નેતાઓએ કર્યું નિરીક્ષણ

નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમથી ત્રણ કિલોમીટર દૂર સાધુ બેટ પર બની રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું સૌથી ઉંચુ સ્ટેચ્યુ છે. ત્યારે આ કામગીરીની સમીક્ષા કરવા માટે આજે ગુજરાત રાજ્યના સીએમ વિજય રુપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ કેવડિયા કોલોની પહોંચ્યા હતા.

મુખ્યપ્રધાન વિજય રુપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આ પ્રતિમા આગામી 31 ઓક્ટોબર સરદાર પટેલ જ્યંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવાની સંપૂર્ણ તૈયારીઓ અંગે બેઠક પણ યોજી હતી. સરદાર સાહેબની આ પ્રતિમાનું કામ જે સ્તરે છે તેની સમીક્ષા કરી હતી.

આ બેઠક માં જણાવાયું હતું કે પ્રતિમાનું સ્ટીલ સ્ટ્રક્ચર કામ 20 સપ્ટેમ્બર સુધીમાં, બ્રોન્ઝ કામ 10 ઓક્ટોબર સુધીમાં અને સંપૂર્ણ ફિનિશિંગ 25 ઓક્ટોબર સુધીમાં પુરૂ કરવાની દિશામાં ઝડપભેર કામગીરી થઇ રહી છે. આ પ્રતિમા સાથે જ સરદાર સાહેબના એક અખંડ ભારતના સંકલ્પને સાકાર કરતું શ્રેષ્ઠ ભારત ભવન પણ 52 રૂમો સાથે નિર્માણ પામવાનું છે. મુખ્યપ્રધાન રુપાણીએ આ સમગ્ર પરિસર વર્લ્ડ ક્લાસ બનવાનું છે તેની ભૂમિકા આપતા કહ્યુકે એ પરિપ્રેક્ષયમાં સફાઈ સિક્યુરિટી કાફેટેરિયા ફૂડ કોર્ટ સહિતની સુવિધાઓ પણ એ જ સ્તરની વિક્સાવાશે.

182 મીટર ઊંચાઈની આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં 1 લાખ 40 હજાર ઘન મીટર કોનક્રિટ નો જથ્થો,18500 મેટ્રીક ટન સ્ટીલ 70 હજાર મેટ્રીક ટન સિમેન્ટ અને 2 હજાર મેટ્રીક ટન બ્રોન્ઝ વપરાશે. 22000 ચો.મીટર આ સ્ટેચ્યુનો સરફેસ વિસ્તાર છે. અંદાજે 2989 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ થવાનો છે. મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને આ પરિસર સાથે સાથે બોટિંગ, વેલી ઓફ ફ્લાવર અને પ્રવાસન સુવિધાઓ વિકસાવવા અંગેની બાબતોમાં પણ વિચાર વિમર્શ કર્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદી ઉપર સરદાર સરોવર ડેમથી ત્રણ કિ.મી.દૂર નર્મદા નદીના પટમાં સાધુ બેટ ઉપર આકાર પામી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું સૌથી ઊંચુ સ્મારક બનશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આખી દુનિયામાં કોઇપણ મહાનુભાવની પ્રતિમા કરતા લોહપુરૂષ સરદાર સાહેબની સૌથી ઊંચી, ૧૮ર મીટર ઊંચાઇ ધરાવતી અજોડ પ્રતિમા બનશે. અમેરિકાના ઐતિહાસિક સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બમણી ઉંચાઇનું ગુજરાતનું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી હશે. રિઓડી જાનેરોના “ક્રાઇસ્ટ ધ રિડીમર’ના સ્ટેચ્યુ કરતા પાંચ ગણી ઊંચાઇનું આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની હશે.