રાજ્યમાં ડેરી ઉદ્યોગની સૌથી મોટી કોન્ફરન્સ યોજાશે

ગાંધીનગરઃ ઇન્ડિયન ડેરી એસોસિયેશન (IDA)ની ગાંધીનગરમાં 16 માર્ચથી 18 માર્ચ સુધી યોજાનારી 49મી ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સ અને એક્સપોમાં ભારત અને વિદેશના ડેરી ઉદ્યોગના નિષ્ણાતો, દૂધ ઉત્પાદકો દૂધ સહકારી મંડળીઓ, સરકારી અધિકારીઓ વૈજ્ઞાનિકો, નીતિ ઘડનાર સમુદાય, શિક્ષણવિદો તથા અન્ય સહયોગીઓ એકત્ર થશે.

આ ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સ અને એક્સપોનુ ઉદઘાટન સમારંભમાં કેન્દ્રના માછીમારી, પશુપાલન અને ડેરી ઉદ્યોગના મંત્રી પરષોતમ રૂપાલા મુખ્ય મહેમાનપદે રહેશે. રાજ્યના માછીમારી, પશુપાલન અને ડેરી ઉદ્યોગના કેન્દ્રીય મંત્રી ડો.સંજીવકુમાર બાલ્યાન, નીતિ આયોગના સભ્ય પ્રો. રમેશ ચંદ, ગુજરાતના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનના પ્રેસિડેન્ટ પીઅરક્રિસ્ટિનો બ્રેઝલ, IDFના ડિરેક્ટર જનરલ કેરોલિન એમોન્ડ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રેહશે. NDDBના ચેરમેન મિનેશ શાહ મુખ્ય પ્રવચન આપશે. શનિવાર 18 માર્ચએ ઇન્ડિયન ડેરી સમિટમાં કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, મુખ્ય મંત્રી  ભૂપેન્દ્ર પટેલ, NDDBના ચેરમેન મિનેશ શાહ હાજરી આપશે.

49મી ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સ અને એક્સપોનો વિષય “India Dairy to the world: Opportunities & Challenges” છે. ભારતના ડેરી ઉદ્યોગની મધ્યસ્થ સંસ્થા ઇન્ડિયન ડેરી એસોસિયેશનના પ્રમુખ આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે ભારતના 10 અબજ ડોલરના ડેરી ઉદ્યોગની આ સૌથી મોટી કોન્ફરન્સ છે. 27 વર્ષ પછી ગુજરાતમાં આ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે, એ એક વિશિષ્ટ બાબત છે.

NDDBના ચેરમેન મિનેશ શાહે જણાવ્યું હતું કે ડેરી ઉદ્યોગની 49મી ડેરી કોન્ફરન્સમાં થનારી ચર્ચાઓ ઉદ્યોગનું ધ્યેય પાર પાડવાની દિશામાં મહત્વનું પુરવાર થશે. આ કોન્ફરન્સ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને એક મંચ પર એકત્ર કરીને ડેરી ઉદ્યોગના વૈશ્વિક પ્રવાહો ફાર્મ ઇનોવેશન્સ, આ ક્ષેત્રમાં પર્યાવરણની સુરક્ષા, કલાયમેટ ચેન્જ, પોષણ તથા ભારતમાં આરોગ્યની સ્થિતિ અંગે પરામર્શ કરીને  ભારતને ડેરી ઉદ્યોગના ઇનોવેશન અને ઉપાયો અંગેનું ધબકતું મથક બનાવવા માટેનું પ્લેટફોર્મ બની રહેશે. દૂધના ઉત્પાદન, સંગ્રહ અને પ્રોસેસિંગ તેમજ પેકેજિંગની આધુનિક ટેકનોલોજીસ અંગેના ઉપાયો, ત્રણ દિવસની કોન્ફરન્સ અને પ્રદર્શનમાં રજૂ કરાશે.

ડેરી ઉદ્યોગના વિકાસમાં પ્રદાન કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને એવોર્ડઝ એનાયત કરવામાં આવશે. દેશમાં વર્ષ 2021-22માં દૂધનું ઉત્પાદન 220 મિલિયન ટન હતું, જે વર્ષ 2047 સુધીમાં 628 મિલિયન ટનની સપાટીએ પહોંચવાની અપેક્ષા છે.