તથ્ય પટેલના એક દિવસ માટે વચગાળાના જામીન થયા મંજૂર

અમદાવાદ: શહેરનો પોઝ એરીયો ગણાતા એસ.જી.હાઈવે પર એક વર્ષ પહેલા એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં તથ્ય પટેલે જેગુઆર કાર દ્વારા 9 લોકોનો જીવ લીધો હતો. ત્યારે હવે આજે તથ્ય પટેલના હંગામી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, તથ્ય પટેલે જેગુઆર કાર દ્વારા 9 લોકોના જીવ લીધા હતા. અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા માત્ર એક દિવસ માટે પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

એક વર્ષ પહેલા પોતાની જેગુઆર કારની અડફેટે 9 લોકોના જીવ લેનારના એક દિવસ માટે કોર્ટે જામીનને મંજૂરી આપવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તથ્યના દાદાના મરણક્રિયાના કારણોસર જામીન માંગવામાં આવ્યા હતા. જે બાદ દાદાની અંતિમવિધી માટે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જોકે, અંતિમવિધી બાદ તથ્યને જેલમાં પરત લઈ જવા કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલે બે દિવસ પહેલા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વચગાળાના જામીનની અરજી કરી હતી. આ વચગાળાના જામીનમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તથ્યના દાદા બીમાર છે અને દાદાની તબિયત ગંભીર હોવાથી તેમને કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે વચગાળાના જામીન આપવામાં આવે. આ દરમિયાન ગઇકાલે સુનાવણી પહેલાં જ તેમના દાદાનું મોત થયું હતું. જેથી તથ્ય તરફે એવી દલીલ કરવામાં આવી હતી કે, દાદાનું મોત થયું છે, તેમની અંતિમવિધિ કરવાની છે, ત્યારબાદ બેસણું અને 12, 13માં દિવસની વિધિ કરવાની હોવાથી તથ્યની હાજરી જરૂરી છે, ત્યારે ચાર અઠવાડિયાના જામીન આપવા જોઇએ. આ મામલે સરકારી વકીલને નોટિસ ઇશ્યુ કરી હતી. તેમણે જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, આરોપી સામે ગંભીર ગુનો છે, અંતિમવિધિ માટે જામીન આપી શકાય, પરંતુ ચાર અઠવાડિયા સુધીનો સમય ન આપી શકાય. કોર્ટે બંને પક્ષોની આવી રજૂઆત બાદ કોર્ટે આરોપી તથ્યને પોલીસ જાપ્તા સાથે દાદાની અંતિમ વિધિની ક્રિયામાં હાજર રહેવા માટે જામીન મંજૂર કર્યા હતા.