લંડનઃ ભારતના આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે લંડનમાં સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સિલન્સ સંસ્થાએ હાલમાં જ નેહરુ સેન્ટર તથા ભારતીય હાઈ કમિશનની સાંસ્કૃતિક પાંખના સહયોગમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એમાં ભારતના 12 રાજ્યો તથા એક કેન્દ્રશાસિત પ્રદેશ તથા એક સમુદાયના 40થી વધારે કલાકારોએ કળા અને સંસ્કૃતિનાં દર્શન કરાવ્યાં હતાં. કાર્યક્રમમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વિવિધતામાં એકતાનાં દર્શન જોવા મળ્યા હતા.
સિંધુ સંસ્કૃતિને અંજલિ અર્પણ કરવા સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.સિંધી ગાયિકા રેણુ ગીડુમલે ઉત્તમ પરફોર્મન્સ રજૂ કર્યો હતો. શ્રોતાઓ સમક્ષ કેન્દ્રીય જનજાતીય (આદિવાસી) કાર્ય ખાતાના પ્રધાન અર્જુન મુંડા તેમજ મણિપુર, ગોવા અને મેઘાલય રાજ્યોના મુખ્ય પ્રધાનોના સંદેશ સંભળાવવામાં આવ્યા હતા. બ્રિટનસ્થિત રાજપૂત એસોસિએશને ગુજરાતનો તલવાર રાસ રજૂ કર્યો હતો. અંજનાબા જાડેજા, હીનાબા ઝાલા અને ગીતાબા ઝાલાનાં પરફોર્મન્સને શ્રોતાઓ-મહેમાનોએ ખૂબ બિરદાવ્યો હતો.