વિદેશમાં નોકરી અપાવવાના બહાને છેતરતી ટોળકી પકડાઈ

અમદાવાદઃ વિદેશમાં નોકરી અપાવવાના બહાને 400 થી વધારે યુવાનોને આશરે બે કરોડ રુપિયાનો ચૂનો લગાવ્યાનો મામલો સામે આવ્યો છે. સૂરત પોલીસે ફરિયાદના બે મહિના બાદ આરોપીઓની ધરપકડ કરી છે. બંન્નેએ અજર બેઈજન નામની એક વિદેશી કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપીને કેટલાય યુવાનોને પોતાનો શિકાર બનાવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અડાજણ એલપી સવાણી રોડ પર ટીજીબી સર્કલ પાસે મિલયોનર બિઝનેસ પાર્ક નામની બિલ્ડિંગના ત્રીજા માળે ઈજાર પ્રોજેક્ટ એન્ડ મૈનપાવર નામની ઓફિસ ખોલીને કમલેશ મગનલાલ ભુવા, દીપક સુરેશ ભાઈ કૃપાલણી અને મિનેશ ઉર્ફે વિક્રમ મહેશ પટેલ વિદેશમાં નોકરી અપાવવા માટે બેરોજગાર યુવાનોને ટાર્ગેટ કરતા હતા. આ ત્રણેય લોકો વિરુદ્ધ સપ્ટેમ્બરમાં અડાજણના યુવકે ફરિયાદ નોંધાવી હતી. સૂરત પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેય લોકો વિદેશમાં નોકરી અપાવવા માટે યુવાનોનું ઈન્ટરવ્યુ કરવા માટે બહારથી લોકો બોલાવતા હતા.

ઈન્ટરવ્યુ બાદ ત્રણેય લોકો દરેક વ્યક્તિ પાસેથી 50 હજાર રુપિયા લેતા હતા. ઉમેદવારોને અજર બેઈજન નામની કંપનીમાં 850 થી 1450 યૂએસ ડોલરના વેતન પર નોકરી આપવાનો વાયદો કરતા હતા. અત્યારસુધી આ ત્રણેય લોકોએ રાજ્યભરમાંથી 400 થી વધારે લોકોને પોતાના શિકાર બનાવ્યા છે.

સૂરત પોલીસે જણાવ્યું કે ગત મોડી રાત્રે દીપક સુરેશ કૃપાલણી અને મિનેશ ઉર્ફે વિક્રમ મહેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી ફરાર છે. પૂછપરછમાં આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. એવી પણ આશંકા છે કે આરોપીઓએ વિદેશમાં નોકરી અપાવવાના બહાને અન્ય રાજ્યોના પણ કેટલાક યુવાનોને પોતાનો શિકાર બનાવ્યા છે. આરોપીઓને રિમાન્ડ પર લઈને તમામ પહેલુઓ પર તપાસ કરવામાં આવી રહી છે.