રો-રો પેક્સની સર્વિસ અને સાથે એસી બસ… હાઉસફૂલ ટ્રિપ્સ

સુરતઃ દીવાળીના સમયમાં મોટાભાગના લોકો પોતાના વતનમાં જતા હોય છે. આ સમયમાં યાત્રાળુઓનો ખૂબ ધસારો હોવાથી લક્ઝરી બસો દીવાળીના સમયગાળામાં મનફાવે તેવા ભાડા વસૂલે છે. ત્યારે રો-રો પેક્સની સર્વિસ અને સાથે એસી બસ, સમયની બચત અને ભાડું અડધુ થઈ જતા 10 નવેમ્બર સુધીની તમામ ટ્રિપ હાઉસફુલ થઈ ગઈ છે. મુસાફર તેની નિયત બસ સર્વિસમાં જે તે સ્થળેથી બસમાં બેસશે પણ બસ ટોટલ પ્રવાસ સડકમાર્ગે કરવાના બદલે દહેજ સુધી સફર કરશે. ત્યાર બાદ બસને રો-રો ફેરી સર્વિસમાં ચઢાવી દેવામાં આવશે.

બસ દહેજ-ઘોઘા ફેરી સર્વિસ અંતગર્ત ઘોઘા આવશે. ત્યારબાદ સડકમાર્ગે જે તે પ્રવાસીને ભાવનગર તેના નિયત સ્થળે પહોંચાડશે, જેમાં મુસાફરોનો પહોંચવામાં સમય પ૦ ટકા ઘટી જશે, તેની સાથે ભાડું પણ અડધું થઇ જશે.

ર૮ ઓક્ટોબરે મુસાફરો માટે શરૂ થયેલી ફેરી સર્વિસમાં ૪ દિવસમાં રર૦૦ મુસાફર, પ૩પ કાર, ૧પ૩ ટ્રક અને ૯ બસોએ આવનજાવન કર્યું છે. મુસાફરને બસમાંથી ઊતરી એક કલાકના સમયગાળા માટે દરિયો માણવાનો લહાવો પણ મળશે. તેથી ૧૦ નવેમ્બર સુધીના સમયગાળા દરમ્યાન તમામ બસ ટ્રિપ હાઉસફુલ થઇ છે.