નવી દિલ્હી- ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર છે. આ મામલે બુધવારે સુનાવણી હાથ ધરાશે. ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી માટે ચૂંટણી પંચે જાહેર કરેલી અધિસૂચનાને પડકારી હતી. તેમના દ્વારા અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી પડેલી બેઠકો પર એકસાથે ચૂંટણી યોજવાની માગ કરવામાં આવી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, એક જ દિવસમાં બંને બેઠકો પર અલગ અલગ ચૂંટણી યોજવી ગેરબંધારણીય અને બંધારણની ભાવના વિરુદ્ધ છે. ગુજરાતમાં ખાલી થયેલી રાજ્યસભાની બે બેઠકો પર 5 જૂલાઈએ ચૂંટણી થશે.
ચૂંટણી પંચની સત્તાવાર જાહેરાત મુજબ અમિત શાહને લોકસભા ચૂંટણી જીતવાનું પ્રમાણપત્ર 23 મે ના રોજ જ મળી ગયું હતું, જ્યારે સ્મૃતિ ઈરાનીને 24 મેના રોજ મળ્યું. જેથી બનેની ચૂંટણીમાં એક દિવસનું અંતર રહી ગયું. આ આધારે ચૂંટણી પંચે રાજ્યની બંને બેઠકોને અલગ અલગ ગણી છે, પરંતુ ચૂંટણી એક જ દિવસે થશે. આ સ્થિતિમાં હવે બંને બેઠકો પર ભાજપને સરળતાથી જીત મળી જશે.
ગુજરાતની બે બેઠકો પર જો એક સાથે એક જ બેલેટ પર ચૂંટણી થાય તો કોંગ્રેસને તેના પર જીત મળી શકે છે. તો ધારાસભ્યોની સંખ્યાની દ્રષ્ટિએ જો ચૂંટણી અલગ-અલગ બેલેટ પર થશે તો જીત ભાજપની જ થશે. સંખ્યા બળની દ્રષ્ટિએ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ઉમેદવારને 61 મત જોઈએ. એક જ બેલેટ પર ચૂંટણીથી ઉમેદવાર એક જ વોટ આપી શકશે. આ સ્થિતિમાં કોંગ્રેસ એક બેઠક સરળતાથી જીતી શકી હોય, કેમકે તેની પાસે 71 ધારાસભ્યો છે. જોકે, ચૂંટણી પંચના નોટિફિકેશન મુજબ, ધારાસભ્ય અલગ-અલગ વોટ કરશે. એવામાં તેમને બે વખત મત આપવાની તક મળશે. આ રીતે ભાજપના ધારાસભ્ય જેની સંખ્યા 100થી વધુ છે, તે બે વખત મત કરી બંને ઉમેદવારોને જીતાડી શકે છે.