ગુજરાતમાં હવામાન પલટાયું; અમદાવાદમાં વરસાદ પડ્યો

અમદાવાદ: આજે મોડી સાંજે ગુજરાતમાં હવામાનમાં ઓચિંતો પલટો આવ્યો હતો અને અમદાવાદમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

ઘાટલોડિયા, ચાંદખેડા, બોપલ, નારણપુરા, સરખેજ, મકરબા, સેટેલાઇટ, એસ.જી. હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તા ભીના થઈ ગયા હતા.

રહેવાસીઓને વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો છે.

એવી જ રીતે, કચ્છ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. લખપતના દયાપરમાં માવઠું પડ્યું હતું. ઉનાળાની શરૂઆતમાં વરસાદી ઝાપટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

દક્ષિણ પાકિસ્તાન પર વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સર્જાતાં ગુજરાતના વાતાવરણમાં આજે પલટો આવશે એવી હવામાન વિભાગ દ્વારા આજે સવારે જ આગાહી કરવામાં આવી હતી.

આવી અસર આગામી બેથી ત્રણ દિવસ સુધી રહી શકે છે.

દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી.

(તસવીરો અને વિડિયોઃ પ્રજ્ઞેશ વ્યાસ)