ફૂલરટન (કેલિફોર્નિઆ): કેમ્પસ થિએટરમાં, ગુરુ-શિષ્ય પરંપરાથી પ્રખ્યાત, ભારતીય શાસ્ત્રીય કથક નૃત્યની પ્રસ્તુતિ માટે કુ. ખુશી પટેલના રંગ મંચ પ્રવેશનું ભવ્ય આયોજન, શંકરા નૃત્ય એકેડમીનાં સંસ્થાપક આરતી માણેક/વિખ્યાત ગુરુ અભય મિશ્રાજીના આશિષ સાથે, શ્વેતા અને ચંદ્રેશ પટેલ દ્વારા પ્રસ્તૃત થયું.
ભારતીય સંસ્કૃતિ એટલે અનેક કળાઓનો ભંડાર. શિશુવયથી જ ખુશીની નૃત્યકળા પરત્વેની ચાહત જોઈ, ઉત્તર ભારતીય ‘બનારસ ઘરાના’ની શાસ્ત્રીય તાલીમ માટે માતા શ્વેતાએ રસ લીધો. શિસ્ત , ધૈર્ય , સમર્પણ ને ઉપાસના સાથે મહત્વાકાંક્ષી ખુશીએ, અભ્યાસની સાથેસાથે લગાવથી અવિરત સાધનાથી પોતાની પ્રતિભા પાંગરી દીધી. કોરોના મહામારી અને પગમાં ફ્રેક્ચર વગેરેના વિઘ્નો છતાં, પડકારો ઝીલતાં નવ વર્ષમાં કથક કલાનાં ત્રણે અંગ ખુશીએ કૌશલ્યપૂર્ણરીતે આત્મસાત કર્યાં.
સંગીતજ્ઞ ટીમ – નીલ કુમાર, રવિન્દ્ર દેવ, આકાશ પૂજારા અને સિતારવાદક દવે કીપ્રીઆની સાથે, સુમંગલ સંગીતથી થિએટરને કથક તાલથી ગુંજતું કરી દીધું. સુસ્વાગતમ્ આવકાર સાથે ઉદઘોષક જાનકી પટેલ અને શૈલજા ભગતે કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.
પ્રથમ વંદના માટે નટરાજ શિવની આરાધના સાથે, કથક રંગમંચ પર ગૌરવ પ્રવેશ કર્યો હતો. લય, નૃત્ય અને દર્શનીય અભિનયથી, ગંગા- અવતરણ, ડમરું, તાંડવ નૃત્ય સાથે અદભુત શિવ-દર્શનાથી ખુશીએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા.
ખુશીની કલાને વહાલથી વધાવતાં, ગુરુજી અભય મિશ્રાએ કાર્યક્રમની શિરમોર આઈટમ – પંડિત બીરજુ મહારાજ દ્વારા કોમ્પોઝીટ – નૃત્યનાટિકા ‘મા દેવી દુર્ગા’ માટે વિશેષ પરિધાન ને રાગ મિશ્ર શંકરા, તાલ – કેહેરવા, ૮-બીટ્સ માટે ખુશીને આમંત્રણ આપ્યું.
તરાના, તીન તાલ, દ્રુત લયની પ્યોર કોમ્પોઝીશન, ફાસ્ટ ટેમ્પો, ભાવ મુદ્રા ને નૃત્યકલાની ઉપાસનાનો ખુશીનો સોલો કથક મહોત્સ્વ, ભારતીય ધરોહરનું એક યાદગાર સંભારણું બની ગયું. અંતમાં, ચંદ્રેશ, શ્વેતા અને રમેશભાઈ પટેલ (આકાશદીપ) અને સવિતાબેન પટેલે સૌનો આભાર માન્યો હતો.
સમારોહને અંતે આરતી માણેક અને ગુરૂજી અભયશંકર મિશ્રાના આશિર્વાદ કુ.ખુશી માટે જીવન સંભારણું બની રહેશે. શ્વેતાબેન તથા ચંદ્રેશભાઈએ ખુશીની કથકયાત્રા તથા સંસ્મરણ યાત્રાનો પરિચય કરાવ્યો. આ પ્રસંગે સુરૂ માણેક, વાસુ પવાર, જગ પુરોહિત, તેમજ ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ(GSFC )ના જીતુ પટેલ, ગુણવંત પટેલ, દુષ્યંત પટેલ, ભાનુ પંડ્યા તેમજ ચંદ્રિકા મિસ્ત્રી, લતા શાહ, તારાબેન પટેલ, ગીતાબેન પટેલ વગેરે સભ્યોની હાજરી ધ્યાનાકર્ષક રહી હતી.