અમદાવાદઃ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઇગ્નુ)ના વડા મથક દિલ્હી અને દેશભરનાં 36 પ્રાદેશિક કેન્દ્રોમાં 36મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીની મુખ્ય ઓફિસમાં દેશનાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી મુખ્ય અતિથિપદે હતાં. અમદાવાદના સમારોહમાં પ્રાદેશિક ડિરેક્ટર ડો. અવની ત્રિવેદી ભટ્ટે વિશિષ્ટ અતિથિ પદ્મશ્રી ડો. જે. એમ. વ્યાસ- નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના વાઇસ ચાન્ચેલર, મહેમાનો અને બધા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું.
તેમણે પ્રાદેશિક કેન્દ્ર- અમદાવાદનો અહેવાલ રજૂ કરતાં મુક્ત યુનિવર્સિટીની ભૂમિકા પર પ્રકાશ ફેંક્યો હતો. તેમણે બધાં લર્નર સપોર્ટ સેન્ટર્સ અને કોર્ડિનેટર્સની પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં ઇગ્નુના પ્રયાસો અને નવા શૈક્ષણિક કાર્યક્રમો (NEP)ના પ્રારંભ વિશે વાત કરી હતી.
અમદાવાદમાં પદ્મશ્રી ડો. જે. બી. વ્યાસ વિશેષ અતિથિ હતા. તેમણે બધા પાસ થયેલા વિદ્યાર્થીઓનો શુભેચ્છા આપી હતી અને જ્ઞાનના મહત્ત્વ વિશે પ્રકાશ ફેંક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ અને અનુભવોના માધ્યમથી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે, પણ પ્રાપ્ત થયેલા જ્ઞાનનો ઉપયોગ સમાજને પરત આપવા માટે કરવામાં આવે છે ને એ ફળદાયી હોય છે. તેમણે શિક્ષકની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે એક ગુરુ શિક્ષક હોય છે, પણ શિક્ષક હંમેશાં ગુરુ ના હોઈ શકે, એટલે સમાજમાં ગુરુની ભૂમિકા મહત્ત્વની છે. ડો. રામમૂર્તિ મીણા- સહાયક પ્રાદેશિક ડિરેક્ટરે સૌનો આભાર માન્યો હતો.
અમદાવાદમાં 1873 વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યાં હતાં. .મૃગા ત્રિવેદીએ ભારત અને વિદેશનાં કેન્દ્રોમાંથી સૌથી વધુ માર્ક મેળવવા બદલ B.A. પ્રોગ્રામમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 11 કેદીઓને પણ સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યાં હતાં.