ગાંધીનગરમાં વિદ્યાર્થીઓનો વિરોધ, CBRT પદ્ધતિ નાબૂદ કરવાની માગ

રાજ્યમાં વનવિભાગની 2022માં ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ 8 થી 27 ફેબ્રુઆરી 2024 સુધીમાં પરીક્ષા લેવામાં આવી હતી. નોંધનીય છે કે 823 પદ માટે 8 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. બે દિવસ અગાઉ CBRT નોર્મલાઈઝેશન મેથડના કારણે ઉમેદવારોને અન્યાય થયાની રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

તો આજે ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો ગાંધીનગરના રામકથા મેદાને ભેગા થયા છે. જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પહોંચ્યા છે. ઉમેદવારો દ્વારા નોર્મલાઈઝેશન સાથે માર્ક્સ જાહેર કરવા અને તમામ ઉમેદવારોના રિઝલ્ટ PDF પ્રમાણે જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.

શું માગ છે ઉમેદવારોની? 
ગાંધીનગર ખાતે ઊમટી પડેલા ઉમેદવારોની માંગ છે કે, છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા,ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, Planning assistant, Work assistant મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર સહિત અલગ અલગ સવર્ગ અને કેડરની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવામાં આવતું હતું કે, આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં ખરી ઊતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે. સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે.