DPS વડોદરા, ઝાયડસ સ્કૂલના વિદ્યાર્થીઓએ TCS ઇનક્વિઝિટિવની સ્પર્ધા જીતી

અમદાવાદઃ IT ક્ષેત્રની અગ્રણી કંપની TCSએ 12 શહેરના ધોરણ આઠથી 12ના વિદ્યાર્થીઓ માટે TCS ઇનક્વિઝિટિવ વાર્ષિક ક્વિઝ (પ્રશ્નોત્તરી) સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેમાં 28 સ્કૂલોના 190 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં તેમની શ્રેષ્ઠ બુદ્ધિમત્તાનું પ્રદર્શન કર્યું હતું.

પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં બુધવારે આયોજિત રિજનલ ફાઇનલમાં ક્વિઝના પાંચ રાઉન્ડ પછી વડોદરાની દિલ્હી પબ્લિક સ્કૂલના 16 વર્ષીય નીલેશ એનએસ વિજેતા બન્યો હતો, જ્યારે વેજલપુરમાં આવેલી ઝાયડસ સ્કૂલ ફોર એક્સેલન્સની 15 વર્ષની વિદ્યાર્થિની અનમાયા શર્મા રનર-અપ રહી હતી. આ બંને વિદ્યાર્થીઓ નેશનલ ફાઇનલમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અને દેશનાં અન્ય રિજિયનના 11 વિજેતા સાથે સ્પર્ધા કરશે. આ સ્પર્ધામાં જે વિજેતા જાહેર થશે તેને મુખ્ય અતિથિ GTUના ઉપ કુલપતિ ડો. રાજુલ કે. ગજ્જર અને કંપનીના ગુજરાતના રિજનલ હેડ નમ્રતા સોમાનીને હસ્તે ઇનામોનું વિતરણ કરવામાં આવ્યા હતા.

આ સ્પર્ધામાં જે યુવા સ્પર્ધકોનું જ્ઞાન અને જાગરુકતા જોવા મળી હતી. તેઓ પ્રભાવશાળી છે, જેથી હું યુવાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશાવાદી છું. TCS ઇનક્વિઝિટિવ જેવાં પ્લેટફોર્મ વિદ્યાર્થીઓની પ્રતિભા અને ઉત્સાહનું પ્રમાણ છે. તેમની આ સ્પર્ધામાં ભાગ લેવાની અને શીખવાની ધગશ કાબિલેદાદ છે, એમ ડો. રાજુલ કે. ગજ્જરે કહ્યું હતું.

ટેક્નોલોજી અને AI દ્વારા ઝડપથી બદલાતા આ વિશ્વમાં જિજ્ઞાશા અને ધૈર્યશીલ યુવકો માટે ભવિષ્યને ઉજ્જવળ બનાવવું જરૂરી છે. TCS ઇનક્વિઝિટિવ જેવી સ્પર્ધા તેમને વિદ્યાર્થીઓની પ્રતિભાને બહાર લાવવાનું કામ કરી રહી છે. કંપની ગુજરાતમાં 30 વર્ષ કરતાં વધુ વર્ષોથી મોજૂદ છે અને સ્કૂલો અને કોલેજોના યુવકોની પ્રતિભા બહાર લાવવા માટે મૂડીરોકાણ કરી રહી છે અને નવી વર્કફોર્સ બનાવી રહી છે, જેનું આ સ્પર્ધા એક ઉત્તમ ઉદાહરણ છે, એમ કંપનીનાં વડા નમ્રતા સોમાનીએ જણાવ્યું હતું.

TCS ઇનક્વિઝિટિવ એ લર્નિંગ પહેલ છે, જે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, સાયન્સ, સ્પોર્ટ્સ, એન્જિનિયરિંગ અને આર્ટ જેવાં ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓની જિજ્ઞાસા અને જાગરુકતા વધારવા માટે આવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભાગ લેવા માટે કોઈ એન્ટ્રી ફી લેવામાં નથી આવતી.