વડોદરાઃ આજે 14 ફેબ્રુઆરીએ ઠેર-ઠેર વેલેન્ટાઇન ડેની ઉજવણી થઈ રહી છે અને પ્રેમનો તહેવાર હોવાથી આજે લાલ રંગની બોલબાલા જોવા મળી હતી, પણ 14 ફેબ્રુઆરી એ દેશના ઇતિહાસમાં સૌથી ખરાબ દિવસ માનવામાં આવે છે. આ દિવસ આપણને જમ્મુ અને કાશ્મીરમાં બનેલી દુ:ખદ ઘટનાની યાદ અપાવે છે. આ દિવસે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર CRPF ના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં 44 ભારતીય જવાનો શહીદ થયા હતા. ત્યારથી આ દિવસને બ્લેક ડે તરીકે ઓળખવામાં આવે છે.
વડોદરાની એમએસ યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ વેલેન્ટાઇન ડે ની જગ્યાએ બ્લેક ડે ની ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓ કાળાં કપડાં પહેરીને ફેકલ્ટીમાં જોવા મળ્યા હતા.
વિદ્યાર્થીઓનું કહેવું હતું કે આજના દિવસે પુલવામામાં ભારતીય સુરક્ષા દળોના જવાનો પર આત્મઘાતી હુમલો થયો હતો અને 40 કરતાં વધારે જવાનો શહીદ થયા હતા. તેમને શ્રદ્વાંજલિ આપવા માટે આજે અમે બ્લેક ડે ની ઉજવણી કરી છે. જોકે એ સાથે-સાથે વિદ્યાર્થીઓ દ્વારા વસંત પંચમી હોવાથી ફેકલ્ટીમાં સ્થાપવામાં આવેલી સરસ્વતી માતાની મૂર્તિની પૂજા પણ કરવામાં આવી હતી.
પુલવામા ઘટનાને પાંચ વર્ષ થયાં
14 ફેબ્રુઆરી 2019 એ દિવસ હતો જ્યારે આતંકવાદી હુમલામાં 44 CRPF જવાનો શહીદ થયા હતા. આજે આ ઘટનાને 5 વર્ષ થયા. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ભારતીય સેનાના જવાનોને લઈ જઈ રહેલા વાહનોના કાફલા પર આત્મઘાતી બોમ્બર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 44 જવાનો શહીદ થયા હતા.