એસ.ટી કર્મચારીઓની રાજ્યવ્યાપી હડતાળ, લાખો મુસાફરો અટવાયા

અમદાવાદઃ આજે રાજ્યભરના એસ.ટીના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. હડતાળ પર એસ.ટી કર્મચારીઓના રાજ્યના ત્રણ મોટા મંડળો દ્વારા રાજ્ય સરકાર સાથે વિવિધ માંગણીઓની વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકાર રજૂઆત ન સ્વીકારતા રાજ્યભરના 45000 હજાર જેટલા કર્મચારીઓ હડતાળ પર બેસી ગયા છે. ત્યારે એસ.ટી કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા રાજ્યની 7000 હજાર કરતા વધુ બસોના પૈડા થંભી ગયા છે. એસ.ટી કર્મચારીઓ દ્વારા એસ.ટી ડેપોમાં આવતી બસો રોકી લેતા મુસાફરો અટવાયા હતા.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણીએ અપીલ કરતા જણાવ્યું કે પ્રજા વર્ગોને મુશ્કેલી ન પડે તે માટે એસ.ટી કર્મચારીઓ હડતાળ પરત ખેંચે. રાજ્ય સરકાર કર્મચારીઓની સમસ્યાના સમાધાન માટે સાથે મળીને યોગ્ય ચર્ચા કરી ઉકેલ લાવશે.

એસટીના કર્મચારીઓની રાજ્યવ્યાપી હડતાળમાં સાબરકાંઠા જિલ્લાના એસટી વિભાગના કર્મચારીઓ પણ જોડાયા છે. રાજ્યમાં સાતમા પગાર પંચના અમલ સહિત વિવિધ પડતર માંગણીઓને લઈને એસટીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. સાબરકાંઠામાં 2950 કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. જેના કારણે જિલ્લામાં 631 બસના પૈડા થંભી ગયા છે. 2200 જેટલા રુટ બંધ કરવામાં આવ્યા છે. તો બીજીબાજુ હિંમતનગર એસટી ડેપોમાં લગ્નની બુક કરવામાં આવેલી બે બસ પણ કેન્સલ કરવામાં આવી છે. અત્યારે ખેડબ્રહ્મા, હિંમતનગર, પ્રાંતિજ અને તલોદમાં અપ ડાઉન કરતા મુસાફરો અટવાઈ ગયા છે.

તો આ તરફ રાજકોટમાં એસ.ટી બસની 2278 ટ્રિપ રદ કરવામાં આવી છે. રાજકોટમાં દરરોજ 1.14 લાખ મુસાફરો એસટી બસમાં મુસાફરી કરે છે. આ હડતાળના કારણે 52 હજાર વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રાજકોટમાં 20 હજાર માસિક પાસ ધારકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. આ સિવાય હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. જેના કારણે લગ્ન પ્રસંગ માટે આપેલી 6 બુકિંગ રિફંડ આપી ઓર્ડર રદ કરવામાં આવ્યો છે.

દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ એસ.ટી ડેપો ઉપર કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. હડતાળના પગલે 300 જેટલી બસોના ટાયર થંભી ગયા છે. હડતાળના પગલે લગ્ન પ્રસંગની 30 જેટલી બસો રદ્દ કરવામાં આવી છે. એસટીના કર્મચારીઓ હડતાળ પર ઉતરતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

હડતાળના કારણ વિશે વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી એસ.ટી વિભાગના કર્મચારીઓ સાતમા પગારપંચની માંગણી કરી રહ્યા છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા યોગ્ય નિર્ણય આપવામાં ન આવતા આખરે એસ.ટીના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. ગઈકાલે મધ્યરાત્રીના બરાબર 12ના ટકોરે એસ.ટી વિભાગના કર્મચારીઓ દ્વારા હડતાળની શરુઆત કરી દેવામાં આવી હતી.

સમગ્ર રાજ્ય સહિત વલસાડ એસટી બસના કર્મચારીઓ મધરાતથી હડતાળ ઉતરતા રાજ્યભરના મુસાફરો અટવાયા હતા, જેને લઈને રાતથી જ બેગ લઈને ઘરથી નીકળેલા મુસાફરો ક્યાં જાય અને ક્યાં ના જાયની પરિસ્થિતિ ઉદભવી હતી. આ હડતાળની અસર અન્ય રાજ્યોના મુસાફરોને પણ થઈ રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્રના મુસાફરોને. ત્યારે વલસાડ ખાતે મહારાષ્ટ્રની બસોને પણ અટકાવી દેવાતા મહારાષ્ટ્રના મુસાફરો પણ વલસાડ ખાતે અટવાયા હતા.

અમદાવાદ ST નિગમની હડતાળની અસર રાજ્યભરમાં દેખાઈ રહી છે. અમદાવાદના ગીતામંદિર ડેપો ખાતે સેંકડો બસ પડેલી જોવા મળી રહી છે. જેને કારણે મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ST નિગમની હડતાળની રાજ્યવ્યાપી અસર પણ દેખાવા માંડી છે. એસટીની હડતાળને પગલે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાંબી મુસાફરી માટે આજે નીકળાનારા મુસાફરોનું પ્લાનિંગ ખોરવાઈ ગયું છે. તો બીજી તરફ, ખાનગી વાહન ચાલકોને ઘી-કેળાં થઈ ગયા છે. આવામાં તેઓ મુસાફરો પાસેથી કમરતોડ ભાવ વધારે તેવી પણ શક્યતા છે.

એસટી નિગમના અન્ય એક કર્મચારીના જણાવ્યા પ્રમાણે 7માં પગાર પંચનો અમલ કરવો, ખોટા થયેલા કેસો પાછા ખેંચવા, એસટી કર્મચારીઓને વર્ગ ત્રણના ગણીને વર્ગ ચારનો પગાર આપવામાં આવે છે. આવા 9 જેટલા મુદ્દાઓના નિવારણ માટે આ માસ સીએલ આપવામાં આવી છે. ફિક્સ વેતન દૂર કરવુ, આશ્રિતોને નોકરી, બઢતી અને બદલીની નિતીમાં ફેરફાર કરવા જેવા વિવિધ પડતર મુદ્દે ગુજરાત એસટી નિગમના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે.