ગુજરાતમાં આભડછેટ સંદર્ભે મેવાણીના આક્ષેપો પાયાવિહોણાં તેવું આ રીપોર્ટ કહે છે…

ગાંધીનગર-  વિધાનસભામાં રાજ્યમાં આભડછેટ સંદર્ભે ધારાસભ્ય મેવાણી દ્વારા કરાયેલા આક્ષેપો બિનપાયાદાર અને સત્યથી વેગળા ગણાવતાં સામાજિક ન્યાય અધિકારીતાપ્રધાન પરમારે જણાવ્યું કે,અનુ.જાતિ પ્રત્યે કોઇ ભેદભાવ રાખવામાં આવતા નથી. આ બધા ક્ષેત્રો સાથે શિક્ષણ, વ્યવસાય, આરોગ્ય વગેરે તમામ બાબતોમાં અનુ.જાતિ એકબીજી સાથે હળીમળીને રહે છે. આમ, આભડછેટની ભાળ પુસ્તકમાં જે કિસ્સા દર્શાવવામાં આવેલા છે તેને કોઇ પણ જાતનું સમર્થન મળતું નથી.

૧૫૮૯ ગામોમાં આભડછેટ માટે નવસર્જન ટ્રસ્ટનાં અહેવાલ પરત્વે ગુજરાત સરકારે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનીંગ એન્ડ ટેક્નોલોજી (સેપ્ટ) યુનિવર્સિટીને તપાસ કરી અહેવાલ રજુ કરવાની કામગીરી સોંપેલ હતી. સેપ્ટ દ્વારા નમુનારૂપ પાંચ જિલ્લાના પાંચ ગામોની તમામ જ્ઞાતિઓ આવરી લઇ પાંચ ગામોની શિક્ષણ પ્રણાલી, આરોગ્ય, રોજગારી,વ્યવસાય, રીતરિવાજો તથા પેઢીગત થયેલ પરિવર્તનો અને સામાજિક સાંસ્કૃતિક બાબતોની વિસ્તૃત છણાવટ કરી ૧૦૦ ટકા સર્વે કરી અહેવાલ રજૂ થયો હતો. જેના તારણો નીચે મુજબ છે.

 • સેપ્ટના અહેવાલ મુજબ નવસર્જન ટ્રસ્ટ દ્વારા રજુ થયેલ બાબતોનું મહદ્ અંશે ખંડન થયેલ છે.
 • જે સર્વે થયો તેમાં એકંદરે ગુજરાત રાજ્યમાં સામાજિક સમરસતા હોવાનું ઉદાહરણ જોવા મળેલ છે.
 • રાજ્યની મધ્યાહન ભોજન યોજનામાં સહભોજનની કેળવણી આપવામાં આવે છે. અને આ બાબતે જાતિ આધારિત ભેદભાવ રાખવામાં આવતો નથી.
 • નવસર્જન ટ્રસ્ટનાં અહેવાલથી વિપરીત કોઇપણ વ્યક્તિને તેનો વંશપરંપરાગત વ્યવસાય કરવા માટે દબાણ કરવામાં આવતું નથી.
 • વ્યવસાયના સ્થળો જેવા કે કારખાના અને કચેરીઓમાં કોઇ ભેદભાવ રાખવામાં આવતો નથી. તથા જે તે કારખાનાની કેન્ટીનમાં બધા સમાન રીત ભોજન લઇ શકે તેવી વ્યવસ્થા છે.
 • રાજ્ય સરકારની શાળાઓ અને આંગણવાડીઓમાં વિવિધ સમૂદાયનાં જુથોનાં બાળકો વચ્ચે વ્યવહારમાં બિનસંપ્રદાયી વાતાવરણ જોવા મળે છે.
 • નવસર્જન ટ્રસ્ટનાં તારણો કરતાં વિપરીત, કારીગરોને તેઓનાં પરંપરાગત વ્યવસાય કરવાની ફરજ પડતી હોય તેવા કોઇ પુરાવા મળતાં નથી.
 • જુદા જુદા સમુદાયોને પંચાયતો દ્વારા પુરા પાડવામાં આવતા પાણી પુરવઠા બાબતે કોઇ પૂર્વગ્રહ રાખવામાં આવતો નથી. એક ગામમાં તો બોર ઓપરેટર અનુસૂચિત જાતિનાં છે, તેવું પણ જણાઇ આવેલ છે.
 • અનુસૂચિત જાતિનાં સમુદાયો માટે સામાજિક સુવિધાઓ અને ભૌતિક પૂર્વ જરૂરીયાતો મેળવવા કોઇ અસમાનતા જણાતી નથી.
 • ગામમાં કોઇપણ કામ હોય તો કોઇપણ વ્યક્તિને કોઇપણ ફળિયામાં જતા રોકવામાં આવતી નથી. આમ, ઉપરોક્ત વિગતો જોતાં, સેપ્ટનાં અહેવાલમાં નવસર્જન ટ્રસ્ટ દ્વારા રજૂ થયેલ બાબતોનું મહદઅંશે ખંડન થયેલ છે.
 • સેપ્ટની ભલામણો સ્વીકારીને જે તે વિભાગને તા.૨૨-૩-૧૭નાં પત્રથી કાર્યવાહી કરવા જણાવેલ છે. તા.૧૨-૦૨-૧૮નાં પત્રથી સ્મૃતિપત્ર પાઠવી થયેલ કાર્યવાહીની જાણ કરવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે સંબંધિત વિભાગોને જણાવેલ છે.

NCRB ન્યૂ દિલ્હીનાં અહેવાલ મુજબ અનુસૂચિત જાતિ અત્યાચારોનાં બનાવ બનવાની સંખ્યામાં ગુજરાત રાજ્યનો ૧૦મો ક્રમ આવે છે. આ એક્ટનાં ગુનાઓ ચલાવવા માટે ગુજરાત રાજ્યમાં ૧૬ સ્પેશ્યલ એક્સ્લયુઝીવ કોર્ટ અને ૨૭ ડેઝીગ્નેટેડ સ્પેશ્યલ કોર્ટ મળી કુલ-૪૩ ખાસ કોર્ટોની રચના કરવામાં આવેલ છે. આ એક્ટમાં ગુનાઓ માટે સરકાર પક્ષે દલીલો માટે ૧૬ વિશિષ્ટ સરકારી વકીલોની તથા ૧૭ ખાસ સરકારી વકીલો મળી કુલ-૩૩ ખાસ સરકારી વકીલોની નિમણૂંક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે.

સરકાર દ્વારા ઉપરનાં લેવામાં આવેલ શ્રેણીબદ્ધ પગલાથી પુરવાર થાય છે કે, ગુજરાત સરકાર અનુ.જાતિ પરના અત્યાચારનાં બનાવો અંગે સંવેદનશીલતાથી કડક પગલા લેવા કટિબદ્ધ છે. ગુજરાત સરકાર દ્વારા આભડછેટ અંગે પગલાં ન લેવાનાં ધારાસભ્ય મેવાણીના આક્ષેપો તથ્ય વિહોણા તથા બિનપાયાદાર પુરવાર થાય છે.

(પરેશ ચૌહાણ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]