અમદાવાદ: શહેર સહિત ગુજરાતમાં રોડ અકસ્માત અને ગુનાહિત પ્રવૃતિ થતા ઉતરોત વધારાને ધ્યાને રાખી અમદાવાદ શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદ શહેરમાં પોલીસે હાથ ધરેલા બે નાઈટ કોમ્બિંગમાં 3000 વાહનો કબજે કરી આરટીઓના મેમો આપવામાં આવ્યાં છે. પોલીસ તંત્રમાં ચડેલા શૂરાતનથી જનતા સાથે RTOમાં કામનો વધારો થતો જોવા મળ્યો, આરટીઓ તંત્રમાં પોલીસે આપેલાં મેમાની વસૂલાત કરવા માટે કોઈ જ વ્યવસ્થા નથી. આરટીઓ તંત્ર માંડ 100 મેમાના દંડની વસૂલાત કરતી આવી છે. બુધવારથી આરટીઓ દરરોજ 200 લોકોનો દંડ વસુલી શકે તેવું આયોજન કરનાર છે. પોલીસ અને આરટીઓ વચ્ચે તાલમેલના અભાવે આરટીઓમાં સવારથી દંડ ભરવા માટે લાઈનો લાગી જાય છે.
જ્યારે બીજી બાજું પોલીસ સ્ટેશનોમાં પોલીસે ડીટેઈન કરેલાં વાહનોના થપ્પા લાગી ગયાં છે તે કિલયર થતાં પખવાડિયું વિતી જશે. લાયસન્સ અને આર.સી. બુકના ડીજીટર ડોક્યુમેન્ટસ માન્ય હોવા છતાં પોલીસે 3000 વાહનો કબજે કરી આરટીઓના મેમો આપ્યાં હતાં. સોમવારે કોમ્બિંગ નાઈટમાં પોલીસે 1685 વાહનચાલકો પાસેથી 12.82 લાખનો દંડ વસુલ્યો હતો. તો, ડોક્યુમેન્ટસ સાથે ન હોવા બદલ 1800 વાહનો ડીટેન કરાયાં હતાં. અણઘડ રીતે યોજાયેલી બે કોમ્બિંગ નાઈટમાં પોલીસે 3000 ટુ વ્હીલર વાહનો કબજે કરી આર્ટીઓ મેમા આપ્યા તેના દંડની વસુલાતમાં આરટીઓની મંથર ગતિથી પ્રજાજનોએ પરેશાન થવાનો વખત આવ્યો છે. અમદાવાદ આર.ટી.ઓ.માં સવારેથી જ સિક્યુરિટી ગાર્ડ ઓફિસમાં આવેલાં લોકોના ડોક્યુમેન્ટસ તપાસે અને ને પછી 100 લોકોને ટોકન આપે. ટોકન મેળવીને આર.ટી.ઓ.માં 3000થી માંડીને 6,000 રૂપિયા સુધીનો ધરખમ મેમો ભરપાઈ કરવામાં આવે. મેમોની રકમ ભર્યાની પહોંચ લઈને વાહનમાલિક જે-તે પોલીસ સ્ટેશનમાં બતાવે એટલે નોંધ કરીને તેમને વાહન પરત આપવામાં આવે. શહેરના અને ટ્રાફિકના મળી 60 પોલીસ સ્ટેશનોમાં ટુ વ્હીલર્સના ઢગલાં પડ્યા છે. ગાંધીનગરથી છૂટેલા આદેશથી ત્રણ દિવસમાં જ બે કોમ્બિંગ નાઈટનો એવો અણઘડ અમલ કરાર્યો કે સામાન્ય નાગરિકો જાણે ગુનેગાર હોય.