મોરબીની ઘટનામાં કડક કાર્યવાહી થવી જોઈએ: શંકરસિંહ

અમદાવાદઃ મોરબીનો ઝૂલતો પૂલ તૂટી પડતાં બાળકો અને મહિલાઓનાં અરેરાટી વ્યાપી જાય એવા મોત થયાં છે. આ સાથે જ વર્તમાન સરકાર અને જવાબદારો સામે ભારે રોષ ફેલાયો છે. આ દુર્ઘટનામાં જેતે વ્યક્તિની બેદરકારી સામે કડક પગલાં લેવાની માગ પણ ઊઠી છે. રાજ્યમાં જુદાં-જુદાં સંગઠનો અને રાજકીય પક્ષો સંવેદના વ્યક્ત કરી રહ્યાં છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને પીઢ નેતા શંકરસિંહ વાઘેલાએ પણ મોરબીની ઘટનામાં દુઃખ વ્યક્ત કર્યુ.

મોરબી દુર્ઘટના પર શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી સુઓમોટો લેવાની માગ કરી છે. તેમણે કહ્યું કે રાજ્યની સરકાર ગુજરાતની પ્રજાને મૂર્ખ બનાવવા ટેવાયેલી છે. તેમણે કહ્યું હતું કે બધા દોષિત લોકો પર કેસ દાખલ કરવામાં આવે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે કેપેસિટી કરતાં વધુ લોકોને જવાની મંજૂરી કોણે આપી હતી. તેમણે કહ્યું હતું કે દર વર્ષે ટિકિટનો ભાવ રૂ. બે વધારવાની મંજૂરી સાથે બ્રિજનું સંચાલન ઓરેવા કંપનીને સોંપવામાં આવ્યું હતું.

અમદાવાદમાં એક પત્રકાર પરિષદ યોજી તેમણે કહ્યું હતું હાઇકોર્ટ દ્વારા આ ઘટનામાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ ઘટનામાં સત્તાધારી પક્ષ દ્વારા મોતનો મલાજો જાળવવાને બદલે નેતાઓ સરકારી કાર્યક્રમમાં ગયા છે, લીલી ઝંડીઓ આપવા ગયા હતા. જવાબદાર કંપની માલિકો અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની જગ્યાએ ચોકીદાર જેવા નાના માણસોની ધરપકડો કરવામાં આવી છે.

હું કોંગ્રેસમાં હોઉં કે ના હોઉં પણ આવનારી ચૂંટણીમાં તેમને વોટ આપજો, કારણ કે આ બંને પક્ષોને મેં નજીકથી જોયા છે, એમ તેમણે કહ્યું હતું. સરકાર મોરબીની ગોઝારી ઘટના બાદ કાર્યવાહી કરવાની જગ્યાએ ‘શો બાજી’  કરવામાં જ વ્યસ્ત હતી, એવો શંકરસિંહ વાઘેલાએ આખીય પ્રેસ કોન્ફરન્સમાં વારંવાર ઉલ્લેખ કર્યો હતો..

(પ્રજ્ઞેશ વ્યાસ)