અમદાવાદઃ AMA ખાતે ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સની ગુજરાત શાખાના ઉપક્રમે ‘How to tap international market: Optimal sales strategy for creating global footprint’ વિષય પર એક સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે ઈન્ફોચીપ્સના સ્થાપક સભ્ય અને સિનિયર વીપી કોર્પોરેટ એફેર્સ, સુધીર નાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઉભરતા ઉદ્યોગસાહસિકોના એક જૂથ સમક્ષને સંબોધિત કરતા તેમણે જણાવ્યું કે, સફળ થવા માટે એક વ્યુહરચના તો હોવી જ જોઈએ, છતાં પ્રયોગ કરવાનુ પણ ચાલુ રાખવુ જોઈએ અને તમે જેના માટે કામ કરો છો તેને વિસ્તારવાનું પણ ચાલુ રાખવુ જોઈએ. તેમણે ઉદ્યોગસાહસિકોને સફળતાના વિવિધ મંત્ર સૂચવ્યા હતા તેમાંનો આ એક મંત્ર હતો.
સુધીર નાયકે જણાવ્યું હતું કે “ એક વ્યુહરચના આવશ્યક છે. મારી અને ઈઈન્ફોચીપ્સની વ્યુહરચના સામા પ્રવાહમાં તરવાની છે અને અમને તેનાં પરિણામો પણ મળ્યાં છે. “ તેમ તેમણે જણાવ્યું હતું.
નાયકે અમદાવાદ સ્થિત ઈ-ઈન્ફોચીપ્સની સફરની વાત કરી હતી. આ કંપની જેમ જેમ પોતાની કામગીરીનો વ્યાપ વિસ્તારતી ગઈ તેમ વર્ષ 2018માં એરો ઈલેક્ટ્રોનિક્સને 320 મિલિયન ડોલરમાં હસ્તગત કરી હતી. તેમણે કેટલાક પ્રસંગો પણ ટાંક્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે “કામગીરીનો વ્યાપ વધારવો તે હંમેશાં પડકારરૂપ બાબત હોય છે. અમે ઘણા વર્ષ સુધી 4 મિલિયન ડોલરની આવક પર અટક્યા હતા. એ પછી અમે વિસ્તરણ કર્યુ અને 10 મિલિયન ડોલર, 25 મિલિયન ડોલર, અને 40, મિલિયન ડોલર એમ આગળ વધતા ગયા હતા. અવરોધો હંમેશાં આવતા હોય છે, અને વ્યક્તિએ અવરોધોને કેમ પાર કરવા તે શોધી કાઢવાનુ રહે છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વ્યક્તિ જે બજારનુ લક્ષ્ય રાખતો હોય તેની ભૂગોળ અને સંસ્કૃતિ સમજવાનુ જરૂરી હોય છે. તેમણે સમજાવ્યું હતુ કે “અમે જેમ મોટા થતા અને વિસ્તરતા ગયા તેમ અમને ખ્યાલ આવ્યો કે જે અમેરિકામાં કામ આવે છે તે યુરોપમાં કામ આવતુ નથી. સમાન પ્રકારે જે યુરોપમાં કામ આવે છે તે જાપાનમાં કામ આવતુ નથી. કારણ કે સ્થાનિક સંસ્કૃતિ અને સંવેદનક્ષમતા અલગ અલગ હોય છે.”
નવસારી જીલ્લાના એક નાના ગામમાંથી આવતા સુધીર નાયકે શ્રોતાઓને નિષ્ફળ જવાનો ભય નહી રાખવા અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે વ્યક્તિ નિષ્ફળતામાંથી અનેક બાબતો શિખી શકે છે. આ અગાઉ ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સની વેસ્ટર્ન ઈન્ડીયા કાઉન્સિલના ફર્સ્ટ વીપી પંકજ બોહરાએ આઈએસીસી અને ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત વ્યાપારી સંબંધોને પ્રોત્સાહન માટે તેની મહત્વની ભૂમિકા અંગે વાત કરી હતી. તેમણે એ બાબતની નોંધ લીધી હતી કે અમેરિકા ભારતનુ સૌથી મોટુ ટ્રેડ પાર્ટનર બન્યુ છે, પરંતુ બંને દેશો વચ્ચે દ્વિપક્ષી સંબંધો વધારવાની વ્યાપક તકો છે.