કોંગ્રેસના પાંચ વિધાનસભ્યોનાં રાજીનામાં, ભાજપના છ વિધાનસભ્યો નારાજ

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો ઉપર 26 માર્ચે મતદાન થવાનું છે એ અગાઉ જ કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને સાચવવા માટે રિસોર્ટ રાજકારણનો સહારો લેવો પડ્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવાર અને કોંગ્રેસના બે ઉમેદવાર જાહેર થયા છે. આમ રાજ્યસભાની ચૂંટણી ભાજપે રસાકસીભરી બનાવી દીધી છે. વળી, ભાજપના ગુજરાતના મોટા ભાગના વરિષ્ઠ નેતાઓ રાજ્યસભામાં તેમના ત્રણેત્રણ ઉમેદવાર જીતશેના દાવા કરી રહ્યા છે એટલે ભાજપ દ્વારા ક્રોસ વોટિંગ કરાવાની પ્રબળ શક્યતા વચ્ચે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવવાની તજવીજમાં લાગી ગઈ છે. બીજી બાજુ  કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે દાવો કર્યો છે કે ભાજપના છ નારાજ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે, જેમાંથી ઉત્તર ગુજરાતના ત્રણ ધારાસભ્યો હાલમાં રાજસ્થાનમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે રિસોર્ટમાં છે.

 કોંગ્રેસના ચાર ધારાસભ્યોનાં રાજીનામાં

પ્રાપ્ત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી થઈ છે. જોકે બે ધારાસભ્યો શનિવારે રાત્રે વિધાનસભા અધ્યક્ષને મળ્યા હતા. સુરેન્દ્રનગર લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડા જેઓ કોળી પટેલ છે તેમ જ ધારીના ધારાસભ્ય જે. વી. કાકડિયાએ અધ્યક્ષને પોતાનાં રાજીનામાં સુપરત કરીદીધાં હોવાના અહેવાલ  છે. આ ઉપરાંત અબડાસાના એમએલએ પ્રદ્યુમનસિંહ જાડેજા પણ જયપુર ગયા નથી અને તેમણે પણ રાજીનામું આપી દીધું છે. ડાંગના એમએલએ મંગળ ગાવિતે પણ રાજીનામું આપી દીધું છે. આમ આ ચારેય ધારાસભ્યોનાં રાજીનામાં અંગે વિધાનસભામાં સોમવારે સત્તાવાર જાહેરાત થવાની સંભાવના છે.

કોંગ્રેસે ક્રોસ વોટિંગથી બચવા વિધાનસભ્યોને જયપુર રવાના કર્યા   

કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોને અમદાવાદથી વિમાન માર્ગે જયપુર લઈ જવામાં આવ્યા છે. આ સિવાય પાંચથી છ ધારાસભ્યો જમીન માર્ગે રાજસ્થાન જવા રવાના થતા ગુજરાતમાંથી બહાર જનારા ધારાસભ્યોની સંખ્યા ૨૦થી ૨૨ની હોવાનું મનાય છે. કોંગ્રેસના જ કેટલાક ધારાસભ્યો ભાજપના સતત સંપર્કમાં છે અને ભાજપ સાથે ક્રોસ વોટિંગથી માંડીને રાજીનામાં ધરી દેવા સુધીની તૈયારી દર્શાવી હોવાનું કોંગ્રેસના જ આંતરિક સૂત્રોએ જણાવ્યું છે.

 ભાજપના છ વિધાનસભ્યો નારાજ, ત્રણ ઉત્તર ગુજરાતના

તેમણે જણાવ્યું હતું કે ‘કોંગ્રેસના એક પણ નારાજ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં નથી, પરંતુ ભાજપનાના છ ધારાસભ્યો નારાજ છે અને હાલ તેઓ અમારા કેમ્પમાં છે. જયરાજસિંહે જણાવ્યું કે ભાજપ તેમના નારાજ ધારાસભ્યોને શોધી બતાવે. ભાજપે ક્યાં ધારાસભ્યને રાજ્યસભામાં મૂક્યા છે અને તે ક્યાં ગામના છે? તે ભાજપ તપાસ કરાવે છે.