ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોની જાહેરાત સાથે જ અનેક જગ્યાએથી વિવાદ થયો હોવાના અહેવાલો પણ મળ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપે પોતાના જ ગઢમાં જીતની હેટ્રિક નોંધાવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકમાંથી ભાજપના ફાળે 48 બેઠક આવી છે. જ્યારે કોંગ્રેસે 11 બેઠક પર જીત હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે, વોર્ડ નંબર નવમાં અપક્ષનો વિજય થયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કુલ 15 વોર્ડમાં 60 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
જૂનાગઢમાં વોર્ડ નંબર-8 માં કોંગ્રેસની જીત થતાં જ પથ્થરમારાની ઘટના સામે આવી છે. પથ્થરમારામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાન પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. હાલ, પોલીસે સમગ્ર મામલો થાળે પાડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. વળી, બીજીબાજુ મોરબીના વાંકાનેરમાં વોર્ડ નંબર 6માં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફટાકડા ફોડવાની બાબતે બબાલ થઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર નવમાં કોંગ્રેસના ઉમેદવાર મહિપાલસિંહ બસિયા હાર્યા છે. આ હારની જાહેરાત થયાના થોડી જ ક્ષણોમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતાં. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે ફંડ ન મળતાં મહિપાલસિંહ નારાજ હતાં. જેથી કંટાળીને ભાજપમાં જોડાયા છે.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)