ગાંધીનગરઃ કેવડિયા ખાતે સરદાર પટેલનું સ્મારક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ તથા અન્ય પર્યટન સ્થળો 28-31 ઓક્ટોબરના દિવસો દરમિયાન ખુલ્લા રાખવામાં આવશે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસરે આજે આ ખુલાસો કર્યો છે. ગઈ કાલે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની સત્તાવાર વેબસાઈટ પર એવી જાહેરાત મૂકવામાં આવી હતી કે કેવડિયાના તમામ પર્યટન સ્થળો 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી પર્યટકો માટે બંધ રહેશે.
પરંતુ, આજે નવા સંદેશમાં વેબસાઈટ પર ખુલાસો કરાયો છે કે, અમને એ જણાવતા આનંદ થાય છે કે લોકમાગણીને પગલે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ તથા કેવડિયામાંના અન્ય પર્યટન સ્થળો 28-31 ઓક્ટોબર સુધી મુલાકાતીઓ અને પર્યટકો માટે ખુલ્લા રાખવામાં આવશે. આ પર્યટન સ્થળો બંધ રહેશે એવી અગાઉની જાહેરાત રદ થયેલી ગણવી. જોકે રાષ્ટ્રીય એક્તા દિવસ-2021ની ઉજવણીને ધ્યાનમાં રાખીને પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા અમલમાં રહેશે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એક્તા દિવસ ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપવા માટે 31 ઓક્ટોબરે કેવડિયાની મુલાકાતે આવવાના છે. 31 ઓક્ટોબરે દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથિ છે.