પુસ્તક મેળામાં પણ શ્રીરામ છવાયા

અમદાવાદઃ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને પગલે લોકોમાં ભારે ઉત્સાહ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત આ પુસ્તક મેળાની સૌથી ઊડીને આંખે એવી બાબત છે. અયોધ્યા, શ્રીરામ, રામ સાથેનું સેલ્ફી પોઈન્ટ, ભગવાન શ્રીરામનાં પુસ્તકો. આ વર્ષની શરૂઆતમાં જ  અયોધ્યામાં શ્રીરામ મંદિરને કારણે અનેક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જેના કારણે અત્ર, સર્વત્ર રામ અને અયોધ્યાને ધ્યાનમાં રાખી ઈવેન્ટ્સમાં આકર્ષણ જમાવવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

અમદાવાદના અપૂર્વ શાહે શ્રીરામ ભગવાનની મૂર્તિ આકારનું સ્ટેન્ડ સાથેનું પુસ્તક તૈયાર કર્યુ છે, જે પુસ્તક મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ પુસ્તકના રચયિતા અપૂર્વ શાહ ચિત્રલેખા.કોમને કહે છે, રામ ભગવાનના મંદિરનો સકારાત્મક ચુકાદો આવ્યા પછી હું સતત સાત વાર અયોધ્યા ગયો હતો. રામ ભગવાન અને અયોધ્યાની વિગતો ભેગી કરી છે. એક વર્ષના સમયગાળામાં છ ફૂટનું શ્રીરામના આકારનું નયનરમ્ય પુસ્તક તૈયાર કર્યુ. ‘રામ એક આસ્થા કા મંદિર’ નામના છ ફૂટના આ વિશિષ્ટ પુસ્તકમાં અયોધ્યા અને રામના ગુણોને પ્રસ્તુત કરાયા છે.

બીજી તરફ એક સ્ટોલમાં  ‘કોસ્મોલોજિકલ ટાઈમલાઈન શાસ્ત્ર એવં વિજ્ઞાન કે સમન્વય સે.’

પુસ્તકના લેખક મૌલિક ભટ્ટે રામાયણ સમયની એકદમ અદભુત ઝાંખી તૈયાર કરી છે.

આ પુસ્તક મેળામાં મુલાકાતીઓમાં કુતૂહલ અને જિજ્ઞાસા જગાડતી આ કોસ્મોલોજિકલ ટાઈમલાઈન વિશે નમ્રતાબહેન ઓઝા ચિત્રલેખા.કોમને કહે છે રામ, અયોધ્યા એ સમયગાળો આ બાબતો યુવા પેઢીને સમજાય એ માટે આ સ્ટોલ તૈયાર કરવામાં આવ્યો છે. શ્રીરામના સમયની વિગતો એકઠી કરી એનું સંપાદન કરતાં લગભગ 13 વર્ષ જેટલો સમય લાગ્યો છે. આજની રામનવમી અને અયોધ્યાનો ઈતિહાસ, સમયગાળો આ વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરેલી વિગતોથી આસાનીથી સમજી શકે છે.

શહેરના ગુજરાત યુનિવર્સિટી પાસેના GMDC ગ્રાઉન્ડમાં નવમો વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર શરૂ થઈ ગયો છે. 6થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન યોજાનારા આ પુસ્તક મેળામાં દેશભરના જાણીતા પ્રકાશકો, શૈક્ષણિક, ધાર્મિક આધ્યાત્મિક સંસ્થાઓનાં પુસ્તકોનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. આ બુક ફેરમાં વિવિધ પુસ્તકોના, પ્રકાશકોના સ્ટોલ્સની સાથે લેખકોનાં વક્તવ્યો અને મનોરંજનના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

 

(પ્રજ્ઞેશ વ્યાસ)