સોમનાથ- સોમનાથ મહાદેવ એ બાર જ્યોર્તિલિંગમાં પ્રથમ સ્થાન ધરાવે છે. સોમનાથએ હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર છે. સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે દેશ અને વિદેશથી ભાવિક ભક્તો ખુબ મોટી સંખ્યામાં આવે છે. ત્યારે હિન્દુઓના સંગઠન તરફથી સોમનાથ મંદિરના પરિસરને વેજ ઝોન જાહેર કરવાની માંગ ઉઠી છે. દેશના કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર એવા સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારને વેજ ઝોન બનાવવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ભાવિકો આસ્થા અને શ્રદ્ધાપૂર્વક સોમનાથ મંદિરે શિશ ઝૂકાવવા આવતા હોય છે. ત્યારે રસ્તામાં ઠેરઠેર માંસાહારની લારીઓ, હોટેલો તેમજ રેસ્ટોરન્ટ ઉપરાંત કસાઇખાનાને કારણે શ્રદ્ધાળુઓની લાગણી દુભાઇ રહી છે. તેવી લાગણી સાથે સૌરાષ્ટ્ર હિન્દુ યુવા સંગઠન, સોમનાથ સેવા સંઘ તેમજ સોમનાથ-વેરાવળના અનેક યુવાનોએ વેરાવળથી બાઇક રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાતમાં અંબાજી, ડાકોર, પાલિતાણા સહિતના ધાર્મિક સ્થળોને વેજ ઝોન જાહેર કરાયેલ છે. ત્યારે સોમનાથમાં પણ વેજ ઝોન બનાવવામાં આવે તેવી લોકમાંગણી ઉઠી છે.
મહત્વનું છે કે સોમનાથમાં મંદિર જવાના માર્ગ પર અનેક નોનવેજની લારીઓનો ખડકલો જામેલો હોય છે. આના કારણે ત્યાંથી પસાર થતાં લોકોની લાગણીઓ દુભાય છે, જેના કારણે મંદિરની આસપાસના સમગ્ર વિસ્તારને વેજ ઝોન જાહેર કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.