અમદાવાદ- વડોદરા હાઇવે પર અકસ્માતમાં છનાં મોત, આઠ ઘાયલ

અમદાવાદઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આણંદની પાસે ટ્રક અને લક્ઝરી બસની વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. આ દુર્ઘટનામાં છ લોકોનાં મોત થયાં છે અને આઠ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. બધા ઘાયલોને સારવાર માટે આણંદની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત બસમાં પંચર થવાને કારણે સવારે આશરે 4.30 કલાકે થયો હતો.

આ ગંભીર દુર્ઘટનામાં હજુ પણ ઘણા લોકો ઈજાગ્રસ્ત હોવાની માહિતી સામે આવી રહી છે જેથી કરીને મૃતકઆંક વધવાની ધારણા છે. હવે અહીં અકસ્માતની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી હાથ ધરી દીધી હતી. જોકે આને પગલે હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વડોદરાથી અમદાવાદ તરફ જતા આણંદના ચિખોદરા પાસે ટ્રક અને બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ બસ મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઈ રહી હતી, તેમાં બસ પુરઝડપે દોડતી હતી ત્યારે અચાનક તેનું ટાયર ફાટ્યું હતું. આને લીધે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસને ટક્કર માર્યા બાદ ડિવાઈડર પાસે ઊભેલા લોકોને પણ કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ઘણા લોકોને ગંભીર ઈજા પહોંચી હતી અને ત્રણ લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોનું સારવારમાં મોત થયું હતું. અહીં ફાયર બ્રિગેડની ટીમ અને 108 પણ બાદમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બસમાંથી ઘણા લોકો બહાર પણ ફંગોળાયા હતા અને તેમના હાથ પગ સહિત શરીરના ઘણા ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.