વાતાવરણમાં આવતા પલટાથી કફ સિરપના વેચાણમાં નોંધપાત્ર વધારો

અમદાવાદઃ રાજ્યમાં આ વખતે ઉનાળો શરૂ થવા સાથે વાતાવરણમાં આંતરેદહાડે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. વિભાગે હાલમાં જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. જોકે આ વારંવારના વાતાવરણના પલટાને કારણે રાજ્યમાં લોકોના આરોગ્ય પર અવળી અસર પડી છે. જેથી કફ સિરપના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે.

રાજ્યના વાતાવરણમાં દિવસના 40 ડિગ્રીથી માંડીને રાત્રે 24 ડિગ્રી સુધીનું હવામાન શરીરના તાપમાન ભારે ઉતારચઢાવ થાય છે, જેથી લોકો બીમાર પડી જાય છે. જેને પરિણામે રાજ્યમાં દિવસદીઠ આશરે 1.25 લાખ કફ સિરપની બોટલોનું વેચાણ થઈ રહ્યું છે, જેમાંથી આશરે 230 ટકા વેચાણ એકલા અમદાવાદમાં થઈ રહ્યું છે.

અમદાવાદમાં પ્રતિ દિન આશરે 38,000 કફ સિરપની દવાની બોટલોનું વેચાણ થઈ રહ્યું છે. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશન (FGCDA)ના અધ્યક્ષ જશવંત પટેલે કહ્યું હતું કે ગયા વર્ષની તુલનામાં માર્ચ-એપ્રિલમાં કફ સિરપની બોટલોમાં 20 ટકા વધારો થયો છે. એ મોટા ભાગે વાઇરલ ખાંસી અને શરદીમાં કામ આવે છે. તેમણે કહ્યું હતું કે આ વખતે વાઇરલ ખાંસી-શરદી વધુ સંક્રમણકારી છે. એટલે ઘરમાં એક વ્યક્તિ બીમાર પડતાં ઘરના બધા સભ્યોને ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.

આ ઉપરાંત રિપોર્ટ કહે છે કે રાજ્યમાં એન્ટિ-ફંગલ પાઉડર અને ક્રીમ અને એને લગતી દવોના વેચાણમાં એપ્રિલમાં 15 ટકાનો વધારો થયો છે. હાલ એન્ટિ ફંગલ પાઉડરનું વેચાણ દિવસદીઠ એક લાખ યુનિટ થઈ રહ્યું છે.