રાજ્યમાં શ્રીકાર વર્ષાઃ જાલણસર ગામે ચેકડેમ તૂટ્યો

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં ૨૪૦ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જામનગરના કાલાવડ તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ કાલે જોરદાર વરસાદ પડ્યો હતો. ગઈ કાલે જાલણસર ગામે ત્રણ કલાકમાં 11 ઈંચથી જેટલો વરસાદ પડ્યો હતો. જેના પગલે 40 વરસ જૂનો ચેકડેમ તૂટયાના અહેવાલ છે. જેથી ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે.

રાજ્યમાં ૨4૦ તાલુકાઓમાં અડધાથી આઠ ઈંચ સુધીનો વરસાદ નોંધવામાં આવ્યો છે. સૌથી વધુ  વરસી રહેલા મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને મધ્ય તેમ જ દક્ષિણ ગુજરાતને તરબોળ કરી દીધું છે. છોટા ઉદેપુર, જામનગરના કાલાવડ અને રાજકોટના લોધિકામાં સૌથી વધારે સાત-સાત ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય ક્વાંટમાં 6.5 ઈંચ, કાલાવડમાં 5.5, સાબરકાંઠાના પ્રાંતિજ, જૂનાગઢના માણાવદર અને વલસાડના કપરાડામાં 5-5 ઈંચ, રાજકોટ,જૂનાગઢ, બોડેલી અને કુતિયાણામાં 4-4 ઈંચ વરસાદ વરસ્યો હતો. મોટા ભાગનાં સ્થળોએ વરસાદને કારણે જળબંબોળની સ્થિતિ સર્જાઈ હતી.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તથા બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. છોટા ઉદેપુરમાં ઓરસંગ અને હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

રાજકોટમાં મુશળધાર વરસાદને કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ભારે વરસાદને કારણે મોતીસર ડેમ ઓવરફ્લો થયો હતો. સિંચાઈ માટેના આ ડેમના બે દરવાજા ખોલી કાઢવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડવાને કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 32.58 ટકા એટલે કે 273.65 મિમી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 35.19 ટકા, કચ્છ ઝોનમાં 30.25 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 31.89 ટકા, પૂર્વ-મધ્ય ઝોનમાં 30.08 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 28.16 ટકા સરેરાશ વરસાદ નોંધવામાં આવ્યો છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]