રાજ્યમાં શ્રીકાર વરસાદઃ અમદાવાદમાં જળબંબોળ…જળબંબોળ

અમદાવાદ: રાજ્યમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થયા પછી મધ્ય ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે. જેમાં અમદાવાદમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાંચ ઇંચ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. જેથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સુરતના તાપી અને બારડોલીમાં ભારે વરસાદ વરસ્યો છે. તાપીના વ્યારામાં અને બારડોલીના મોટા ભાગના વિસ્તારોમાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. ઉકાઈ ડેમની જળ સપાટી 315.59 ફૂટે પહોંચી છે. ડેમમાં પાણીની આવક 11,791 ક્યુસેકની થઈ છે.

અમદાવાદમાં ત્રણ કલાકમાં સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. માત્ર પશ્ચિમ વિસ્તારમાં ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, નારણપુરા વિસ્તારમાં જ નવ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પૂર્વ ઝોનમાં આવેલા રખિયાલ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઓઢવ વિરાટનગર, રામોલ સહિતના વિસ્તારોમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 228 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.રાજ્યમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ જામકંડોરણામાં પડ્યો છે. જે બાદ કપરાડામાં પોણા છ ઇંચ, ઉપલેટામાં પોણા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે.  ભારે વરસાદને પગલે સામાન્ય જનજીવનને અસર પહોંચી છે. હવામાન વિભાગે હજી આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. આ પાંચેય દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.