નવી દિલ્હી– વડાપ્રધાન કાર્યાલયના પીઆરઓ અને પીઢ પત્રકાર જગદીશભાઈ ઠક્કરનું નિધન થયું છે.આજે સવારે એઈમ્સમાં તેમણે મલ્ટી ઓર્ગન ફેલ્યોરને કારણે અંતિમ શ્વાસ લીધો હતો. 72 વર્ષની વયના જગદીશભાઈ લગભગ બે મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધનના ખબર મળતાં ટ્વીટ કરી શોકાંજલિ અર્પણ કરી હતી. જગદીશભાઈના નશ્વર દેહને આજે સાંજે સવા ચાર કલારે દિલ્હીના લોધી સ્મશાનગૃહમાં અંતિમ સંંસ્કાર કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગદીશભાઈના નિધન પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે જગદીશભાઈ એક અનુભવી પત્રકાર હતાં અને તેમણે મારી સાથે વર્ષો સુધી કામ કર્યું હતું.
ગુજરાત અને દિલ્હી બન્ને સ્થળે તેમની સાથે કામ કરવું આનંદદાયક રહ્યું હતું. તેઓ પોતાની સાદગી અને ઉત્સાહસભર વ્યક્તિત્વ માટે જાણીતા હતાં.
ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતાં ત્યારથી લઇને જગદીશભાઈ મોદી વડાપ્રધાન બન્યાં ત્યાં સુધી તેમની સાથે જનસંપર્ક અધિકારી તરીકે સંકળાયેલા રહ્યાં હતાં. તેમનું અવસાન દિલ્હીમાં થયું હતું. વડાપ્રધાન મોદીએ જગદીશભાઈના પરિવારને સાંત્વના પાઠવી દુઃખ વ્યક્ત કર્યું છે.
જગદીશભાઈ વિશે…
-જગદીશભાઈ ઠક્કર દાદા તરીકે ખૂબ જાણીતાં હતાં.
-તેઓ 2014થી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મીડિયા અધિકારી હતાં.
-1986થી તેઓ મુખ્યપ્રધાનો સાથે કાર્યરત રહ્યાં હતાં. તેઓ 1966-67માં માહિતી ખાતામાં જોડાયા હતા.
-તેઓ માહિતી વિભાગના અધિકારી તરીકે 32 વર્ષ સુધી મુખ્યપ્રધાનો અને પછી વડાપ્રધાન સાથે કાર્ય કર્યું.
-તેમની વડાપ્રધાનના પડછાયા તરીકેની ઓળખ પણ જામી હતી.
-સ્વભાવે એકદમ નિરાભિમાની અને જમીન પરના માણસ તરીકે આદરસન્માન મેળવ્યાં
-તેમના માટે કહેવાતું કે રહસ્યમંત્રી હોય તો આવા હોય
-તેઓ વર્ષ 2004માં અધિક નિયામક પદેથી નિવૃત્ત થયા હતાં પરંતુ મોદીએ તેમની સેવા ચાલુ જ રાખી હતી. તેમની સેવાઓ આજીવન લેવામાં આવી. એટલું જ નહી વડાપ્રધાન કાર્યાલયમાં “વડાપ્રધાન કાર્યાલયના જનસંપર્ક અધિકારીશ્રી” તરીકે ખાસ પૉસ્ટ ઉભી કરવામાં આવી હતી. જે પહેલા ક્યારેય નહોતી.
– જગદીશભાઈ ઠક્કરનું મૂળ વતન ભાવનગર હતું. તેમનો જન્મ 3જી ફેબ્રુઆરી, 1946, પિતાનું નામ મનુભાઈ ડી. ઠક્કર અને માતાનું નામ મુક્તાબહેન ઠક્કર હતું.
-પરિવારમાં પત્ની વિભાબહેન, એક પુત્ર વિરાગનો સમાવેશ થાય છે.