અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલો પણ કોરોનાના દર્દીઓથી ઊભરાઈ રહી છે. અમદાવાદમાં વધુ 30 ખાનગી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આવા સમયે કોરોના રોગચાળામાં કારગત ગણાતા રેમેડિસિવિર ઇન્જેકશનની તીવ્ર અછત સર્જાઈ છે.
હોસ્પિટલ કે ડોક્ટરોની દેખરેખ હેઠળ કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી ગંભીર દર્દીઓને રેમેડિસિવિર ઇન્જેક્શનનો કોર્સ કરવાનો હોય છે. આવા દર્દીઓની હાલત અત્યારે કફોડી થઈ ગઈ છે. જોકે રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલમાં દાખલ હોય તેવા દર્દીઓને રેમેડિસિવિર ઇન્જેકશન આપવા માટે વ્યવસ્થા કરી છે.
30 હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલમાં ફેરવાઈ
શહેરમાં સતત કોરોના બેકાબૂ બની રહ્યો છે. અમદાવાદમાં વધુ 30 ખાનગી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી. રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા તથા મ્યુનિ. કમિશનર મુકેશકુમારે કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરીને શહેરના દરેક વિસ્તારમાં કોરોના દર્દીઓને સમયસર સારવાર મળી રહે માટે જુદા-જુદા વિસ્તારમાં કુલ 15 નર્સિંગ હોમ તથા હોસ્પિટલોને કોવિડ ડેડિકેટેડ હેલ્થ સેન્ટર તરીકે માન્યતા આપી છે. શહેરની ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓ માટે બેડ વધારવામાં આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4541 કેસ નોંધાયા છે અને 2280 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં 42 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4697 લોકોના મોત કોરોનાને લીધે થયાં છે.