ખંભાતઃ રાજ્યની સાબરમતી જે અખાતને મળે ત્યાં પાસે વસેલું શહેર ખંભાત એની સૂતરફેણી, હલવાસન, અકીકના પથ્થર, પતંગ અને ભરપૂર કુદરતી સંશોધન માટે તો જાણીતું છે. આ સાથે માન્યતા પ્રમાણે સ્કંધ પુરાણમાં જેનો ઉલ્લેખ છે..એ ભગવાન કાર્તિક સ્વામી દ્વારા સ્થપાયેલ કુમારેશ્વર મંદિર પણ ખંભાતમાં આવેલું છે. આ વર્ષે અધિક શ્રાવણ માસ અને શ્રાવણ મહિનો બંને સાથે હોવાથી શિવ મંદિરોમાં ભારે સજાવટ જમાવટ કાર્યક્રમોના આયોજનો થઈ રહ્યાં છે.
ખંભાતના પૌરાણિક મંદિરમાં હીરેન ભટ્ટ છેલ્લાં સત્તર વર્ષથી સવા લાખ બીલીપત્ર ચઢાવે છે. હીરેન ભટ્ટ ચિત્રલેખા. કોમને કહે છે પહેલાં સાંજે પણ મંદિરમાં રંગોળી કરતા હતા. હવે અમે સવારે શિવલિંગને નિયમિત શૃંગાર કરીએ છીએ. શિવલિંગના શણગારમાં ફૂલોથી ઓમ બનાવીએ. બીલીપત્રના ત્રણેય પાન પર ઓમ નમઃ શિવાય સાથે ડમરુ સાથેના ત્રિશૂળ દોરી ભગવાનને બીલી અર્પણ કરીએ. આ રીતે સતત સતત સત્તર વર્ષથી ભોળાનાથના પૌરાણિક શિવલિંગ પર પૂજા-અર્ચના કરું છું.
હીરેન ભટ્ટ ખાનગી કંપનીમાં નોકરી કરી શ્રાવણમાં સવા લાખ બીલીપત્ર ચઢાવવાનું કાર્ય કરે છે. વિશ્વમાં ભગવાન શિવજીને પૂજનારા અનોખી રીતે પૂજનારા હજારો ભક્તો છે. જેમાં હીરેનભાઈ મહીસાગર, ગુપ્ત ક્ષેત્રમાં આવેલા ખંભાતના પૌરાણિક કુમારેશ્વર મહાદેવના શિવલિંગ સતત 17 વર્ષથી બીલી પત્ર ચઢાવે છે અને શૃંગાર કરે છે. ખંભાત ના પૌરાણિક કુમારેશ્વર મહાદેવ મંદિરે થી દર વર્ષે શિવજીના ભક્તો દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)