મહેમદાવાદના શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન પર રાખડીનો અનોખો શણગાર

રક્ષાબંધનના  પવિત્ર પર્વની તૈયારી શરૂ થઈ ગઈ છે. ત્યારે એશિયાના સૌથી મોટા ગણપતિ મંદિર એટલે કે શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં  મંદિરને ફરતી રાખડીનો અનોખો શણગાર રચાયો છે.

મહેમદાવાદ શહેરમાં વાત્રક નદી કિનારે આવેલા એશિયાના સૌથી મોટા ગણપતિ મંદિર એટલે કે શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે આગામી રક્ષાબંધનનો પવિત્ર તહેવારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિર પર સૌથી મોટી રાખડી લગાવી શણગાર કરવામાં આવ્યો છે.

મંદિરના ફરતે લગભગ 11 બાય 11 ફૂટની ગોળાકાર રાખડી લગાવી શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન ગજાનંદના દર્શન કરવા માટે આવતા ભાવિક ભક્તો સૌથી પહેલા આ રાખડીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

હિન્દુ ધર્મમાં તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે. ત્યારે શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ટ્રસ્ટ દરેક તહેવારોની ઉજવણી જુદી-જુદી રીતે અને પરંપરાગત કરે છે. રક્ષાબંધનની પૂનમ પહેલા મંદિર પરિસર પર સૌથી મોટી રાખડીનો શણગાર કરવામાં આવ્યો છે.

શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાનના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, હિન્દુ ધર્મમાં તહેવારો પોતાનું આગવું મહત્વ ધરાવે છે. અમે દરેક તહેવારનું વિશેષ રીતે આયોજન કરી શકીએ એવા પ્રયાસ કરીએ છીએ. એના ભાગરૂપે મંદિરના ફરતે રાખડી લગાવી છે. નોંધનીય છે કે સમગ્ર આયોજન મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવ્યું છે.