શાયર અમર પાલનપુરીને ‘વલી’ ગુજરાતી ગઝલ એવોર્ડ એનાયત

સુરતઃ ગુજરાતી સાહિત્ય અકાદમીએ ૮૯ વર્ષની વયે પણ તરોતાજા એવા પરંપરાના છેલ્લા હયાત શાયર અમર પાલનપુરીને વલી એવોર્ડથી પોંખીને હકીકતમાં ઊજળું કામ કર્યું છે. ૧૭મી સદીના કવિ વલીની સ્મૃતિમાં ગુજરાત સરકાર સંચાલિત ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રતિ વર્ષ આપવામાં આવતો ‘વલી’ ગુજરાતી ગઝલ પારિતોષિક આ વર્ષે ગુજરાતના વરિષ્ઠ શાયર – ગઝલકાર અમર પાલનપુરીને અર્પણ કરવામાં આવ્યો છે. આ અર્પણ સમારોહ રવિવારની સવારે સુરત અઠવાલાઇન્સના આદર્શ હોલમાં યોજાયો હતો.

” ટૂંકી નથી જરાય પણ લાંબી છે જિંદગી

તારા વિરહના ગજ થકી માપી છે જિંદગી

હાંફી ગયું છે મોત મને આંબતા ‘અમર’

કેવા પવનના વેગથી કાપી છે “જિંદગી”

આ એવોર્ડ સમારોહ પૂર્વે જ્યારે શ્વેત વસ્ત્રમાં સજ્જ અને ચહેરા પર અમરત્વ ધરાવતી મુસ્કાન સાથે અમર પાલનપુરી હોલમાં પ્રવેશ્યા ત્યારે ઉપસ્થિત સૌકોઇએ ઊભા થઈને એમનું અભિવાદન કર્યું હતું. મંચ પરથી હરીશ ઠક્કર, પ્રજ્ઞા વશી, કિરણસિંહ ચૌહાણ, એશા દાદાવાલા, ગૌરાંગ ઠાકર, અશોક ચાવડા બેદિલ, મહેશ દાવડકર, વિપુલ મંગ્રોલિયા, હેમંત મદ્રાસી, સુરેશ વિરાણી, વિવેક ટેલર, મેહુલ જયાણી, મુકુલ ચોકસીએ કવિની જાણીતી રચનાઓ રજૂ કરી હતી અને માહોલને અમરમય બનાવ્યું હતું. જ્યારે મંચ પર ખુદ અમર પાલનપુરી આવ્યા ત્યારે વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યું હતું.

“રૂપના ઘેલા છીએ, શૂન્યના ચેલા છીએ,

વેરમાં પાછળ હશું, પ્રેમમાં પ્હેલા છીએ”

આ શાયરે એવોર્ડ સ્વીકાર્યા બાદ એવું કામ કર્યું જેને કારણે એના અમર નામને જાણે સોનાનો વરખ લાગ્યો. તેમણે ભારે ભાવ અને સંવેદના સાથે આ એવોર્ડ પોતાના ગુરુ સ્વ. શૂન્ય પાલનપુરીને અર્પણ કર્યો અને એવોર્ડ સાથે મળતી એક લાખ રૂપિયાની ધનરાશિ શૂન્યના પુત્ર તસ્લિમ ખાનને અર્પણ કરી. આ જાહેરાત સાથે સદન ફરી કરતાલ ધ્વનિની ગુંજી ઊઠ્યું.

‘વલી’ ગુજરાતી ગઝલ પારિતોષિક અર્પણ સમારોહમાં ઉપસ્થિત ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ અમર પાલનપુરીને અભિનંદન આપતાં કવિતા, ગઝલ અને સાહિત્યમાં તેમના અમૂલ્ય પ્રદાનને બિરદાવ્યું હતું.  મંત્રીએ લોકોને પુસ્તકો અને વાંચન સાથે જોડી રાખવા આગામી દિવસોમાં શહેરની શેરીઓ અને રસ્તાઓ પર લાયબ્રેરીનું નિર્માણ કરવાનુ આયોજન થઈ રહ્યું હોવાનું પણ ઉમેર્યું હતું. આ પ્રસંગે અકાદમી અધ્યક્ષ ભાગ્યેશ ઝા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ, નર્મદ યુનિ.ના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા, સાહિત્યકાર રવીન્દ્ર પારેખ અને અન્ય કવિઓ અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.