અમદાવાદઃ ખેડૂતોના આંદોલનનો આજે 27મો દિવસ છે. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ કાયદા પરત લેવાની માગ પર ખેડૂતો અડગ છે. ત્યારે ખેડૂત આંદોલનના સમર્થનમાં ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા પણ ઊતરી આવ્યા છે. તેમણે ખેડૂતોના સમર્થનમાં આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને પગલે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
25 ડિસેમ્બરે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મતિથિના દિવસ પહેલાં ખેડૂતોની માગોનો સ્વીકાર કરવામાં નહીં આવે તો તેઓ દિલ્હી રાજઘાટ ખાતે આમરણાંત ઉપવાસ પર ઊતરશે. આ સિવાય તેમણે માગ કરી છે કે દિલ્હીમાં વિરોધ-પ્રદર્શનમાં શહીદ થયેલા ખેડૂતોને દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વળતર આપે. કૃષિ કાયદાઓના વિરોધમાં દેખાવો કરી રહેલા ખેડૂતોને પહેલેથી જ કેટલીક રાજકીય પાર્ટીઓ ટેકો આપવાની જાહેરાત કરી છે. સમાજવાદી પાર્ટી 23 ડિસેમ્બરે ખેડૂતોના સમર્થનમાં યાત્રા કાઢવાની તૈયારી કરી છે. સપાનાં નાના-મોટા ગ્રુપો યાત્રા કરીને ખેડૂતોને નવા કૃષિ કાયદાઓની ખામીઓ બતાવશે. આ સિવાય ગામોમાં લોકોને ખેડૂત આંદોલન સાથે જોડશે.
અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે જો પશ્ચિમ બંગાળમાં ભાજપની સભા કરવા માટે કોરોના નથી, તો સંસદ સત્ર ચલાવવા માટે દિલ્હીમાં કેમ છે? સંસદમાં ખેડૂતોના પક્ષમાં સંસદસભ્યોના આક્રોશથી બચવા માટે ભાજપ સરકાર કોરોનાનું બહાનું બનાવી રહી છે. ભાજપ સંસદીય પરંપરાઓનું કત્લેઆમ કરી રહી છે.