નવા બૂથ પર પોલીસ ક્યારે જોવા મળશે?

અમદાવાદઃ શહેરમાં હાલ કેટલાક વિસ્તારોના માર્ગો પર ટ્રાફિક પોલીસ ગરમી, ઠંડી કે વરસાદ આ ત્રણેય ૠતુમાં સરળતાથી ટ્રાફિક નિયમન કરી શકે એ માટે નવા બૂથ ઊભા કરવામાં આવી રહ્યા છે. શહેરમાં સતત વધતા ટ્રાફિકના નિયમન માટે મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવેલા બૂથનો  ઉપયોગ થતો નથી. રોડ વચ્ચે મૂકેલા નવા અને જૂના મોંઘા ભાવે તૈયાર કરવામાં આવેલા બૂથ ખાલી જ પડ્યા રહે છે.

ટ્રાફિક પોલીસની સાથે હોમગાર્ડઝ, ટીઆરબી જવાનો પણ માર્ગો પર ટ્રાફિક નિયમનની કામગીરીમાં સહભાગી થઈ કામગીરી કરે છે. ટ્રાફિકના કાયદાનો કડક અમલ કરાવવા બેરિકેડ, સિગ્નલો, આધુનિક કેમેરાથી સજ્જ ગાડીઓ, બાઇકસવારોની સગવડો પણ આપવામાં આવી છે.

છેલ્લા કેટલાક સમયથી મેમનગર, વંદેમાતરમ રોડ, સિંધુ ભવન રોડ જેવા અનેક વિસ્તારોમાં ટ્રાફિક પોલીસને ઊભા રહેવા માટે બૂથ મૂકવામાં આવ્યા છે. જેથી ટ્રાફિક કર્મચારીઓ બૂથ ઉપર ઊભા રહી સરળતાથી ચોતરફ ટ્રાફિક કંટ્રોલ કરી શકે, પરંતુ માર્ગો પરના બૂથ પર હોમગાર્ડઝ, ટીઆરબી કે પોલીસના જવાનો ઊભા રહેતા નથી. એટલે ટ્રાફિક પોલીસના આ બૂથ  ખાનગી કંપનીઓએ કે તંત્ર એ જાહેરાતનાં પાટિયાં ચોંટાડવા મૂક્યા હોય એવું જ લાગે.

કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકના બૂથ ફૂટપાથો કે ડિવાઇડરો પર ભંગાર હાલતમાં પડ્યા છે. મોટા ભાગના વિસ્તારોમાં ટ્રાફિક નિયમન માટે મૂકેલા જવાનો માર્ગની વચ્ચે કે બૂથ પર ઊભા રહેવાની જગ્યા એ ફૂટપાથો પર કે રોડની એક તરફ જ જોવા મળે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]