ગાંધીનગર– રાજકોટ, વડોદરા અને અમદાવાદ શહેરનો સુઆયોજીત વિકાસ ઝડપભેર થાય એ દિશાના અત્યંત મહત્વના પગલાં તરીકે ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે આજે રાજકોટની વાવડી, કોઠારીયા અને મવડીની ત્રણ પ્રારંભિક ટી.પી.સ્કીમ, વડોદરાની સનાથલ-નવાપુર તથા સેવાસીની ડ્રાફટ ટી.પી. સ્કીમ તથા અમદાવાદના વટવા અને કડીની ફાઇનલ ટી.પી.સ્કીમને મંજૂરી આપી છે.મુખ્યપ્રધાન વિજય રુપાણીએ નાગરિકોની સુખસુવિધા વધે અને જાહેર હેતુ માટે સત્તામંડળોને પ્લોટ મળી રહે એ રીતે કામ કરવા તંત્રને તાકીદ કરી છે. પરિણામે છેલ્લા પાંચ મહિનામાં ૫૦ જેટલી ડી.પી./ટી.પી.ને સ્કીમ મંજૂરી આપીને શહેરી વિસ્તારોમાં નાગરિકોને વધુ સારી સુવિધાઓ આપી શકાય એ માટેના કામોમાં વેગ આવ્યો છે.
શહેરી વિસ્તારોમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ ઝડપથી પૂર્ણ કરી શકાય એ માટે રાજ્ય સરકારે આજે રાજકોટની ૧૫-વાવડી, ૧૨-કોઠારીયા અને ૨૭-મવડી; એમ ત્રણ પ્રીલીમનરી ટી.પી. સ્કીમને મંજૂરી આપી છે. અંદાજે ૩૧૦ હેકટર્સ જેટલા વિસ્તારની આ ત્રણ પ્રીલીમીનરી ટી.પી. સ્કીમથી સત્તામંડળને જાહેર હેતુ માટે કુલ ૧૧૧ જેટલા પ્લોટ મળશે, જેનો કુલ વિસ્તાર આશરે ૬,૮૧,૬૨૩ ચો.મી. જેટલો થાય છે.
રાજકોટના કોઠારીયામાં કુલ ૩૩ પ્લોટનો ૧,૬૫,૫૮૦ ચો.મી. જેટલો વિસ્તાર થાય છે. વાવડીમાં ૨૭ પ્લોટનો ૨,૨૫,૭૧૧ ચો.મી. વિસ્તાર અને મવડીમાં ૫૧ પ્લોટનો ૨,૮૯,૩૩૨ ચો.મી. વિસ્તાર થાય છે. આ પ્લોટમાં બાગ-બગીચા, ખુલ્લી જગ્યા, જન સુખાકારી માટે જાહેર સુવિધાના પ્લોટ તથા સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટેના પ્લોટનો સમાવેશ થાય છે.
વિશેષ કરીને રાજકોટ માટે આનંદના સમાચાર છે કે, છેલ્લા ચાર મહિનામાં રાજકોટ શહેરની ૨૨-રૈયા, ૧૬-રૈયા, અને ૧૯ તથા ૧૩-રાજકોટ સહિત કુલ ચાર પ્રીલીમનરી ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સૂચનાથી રાજકોટ શહેરના વિકાસ માટેના આયોજન અને તેના અમલીકરણમાં ખૂબ જ ઝડપ આવી છે.