જેલમાં યોજાયો ગીત સંગીતનો કાર્યક્રમ

અમદાવાદઃ દેશ અને રાજ્યોની જેલોમાં જુદા જુદા ગુના હેઠળ મોટી સંખ્યામાં કેદીઓ સજા ભોગવતા હોય છે. કેટલાક કેદીઓ સંજોગોથી ગુનાહિત  પ્રવૃતિમાં જોડાઈજાય છે. ત્યારે જેલમાં સમય ગાળતા કેદીઓ માટે જેલ સત્તાવાળાઓ તેમજ સામાજિક સંસ્થાઓ ભેગા મળી શિક્ષણ, સર્જનાત્મક, તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી મુખ્ય ધારા સાથે જોડી એક સકારાત્મક પ્રયાસ કરે છે.

જેલના કેદીઓ માટે અમદાવાદ મધ્યસ્થ જેલમાં પણ એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં કેદીઓ દ્વારા કેદીઓને મનગમતા ગીતો સંગીત સાથે રજૂ કરાયા. સતત પંદર દિવસની તાલીમ બાદ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. માણસ કોઇપણ સંજોગોમાં હોય પણ એમાં છુપાયેલી કળા એ સતત જીવંત હોય છે. ગીત-સંગીતની રજૂઆતથી સમગ્ર વાતાવરણ  ભાવવિભોર બની ગયું હતુ.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અખિલ ગુજરાતી રાજસ્થાની લોકસંગીત સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન પુણે દ્વારા સુંદર પ્રયાસ કર્યો હતો. પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી ના સંગીત નિર્દેશનમાં પખવાડિયાના  પ્રશિક્ષણ પછી બુધવારે “અમદાવાદ મધ્યસ્થ જેલ સંગીત પ્રભાત 2018” આયોજન કરવામાં આવ્યું હતું.

ગીત-સંગીતના આ કાર્યક્રમમાં 13 જેટલા લોકો એ ભાગ લીધો અને  સુમધુર ગીતો રજુ કર્યુ. જે સાંભળી આમંત્રિત મહેમાનો મંત્રમુગ્ધ થઇ ગયા હતા. આ પ્રસંગે ગુજરાત જેલના ડીજીપી ડો. ટી. એસ. બિસ્ટ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના ચેરમેન  પંકજ ભટ્ટ , જેલ અઘિક્ષક વિ એચ ડીંડોર સાહેબ, હીરલબેન અમર ભાઈ શાહ- કલાંજલી આટૅ ઉપસ્થિતિ રહ્યાં હતાં. સંગીત સહાયક વિભાકર ભટ્ટ અને  ફોટો જર્નાલિસ્ટ દિલીપ ઠાકરનું કાર્યક્રમને સફળ બનાવવા માટે સન્માન કરવામાં આવ્યું હતુ.