અમદાવાદઃ રાજ્યમાં હાર્ટ એટેક (heart Attack)થી થતાં મોતનો સિલસિલો યથાવત્ છે. શિયાળો શરૂ થાય એટલે હૃદય અને શ્વાસ સંબંધિત સમસ્યામાં વધારો થવાની શક્યતા છે, કેમ કે ઠંડીની મોસમમાં શારીરિક ગતિવિધિ ઓછી થઈ જાય છે જેને કારણે વજન પણ ઝડપથી વધે છે અને સ્ટ્રેસ પણ વધી શકે છે. આ બધી જ બાબતોની ખરાબ અસર હૃદય પર થાય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકને લીધે સાત જણનાં મોત થયાં છે, જેમાં રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાં મધ્ય પ્રદેશના યુવક, કારખાનામાં કામ કરતા પ્રોઢ સહિત બે વ્યક્તિઓનાં મોત થયાં હતાં.
રાજકોટમાં રૈયાધાર પાસે રહેતા રઘુભાઈ શિયાળિયા (ઉ.વર્ષ 54)ને રાત્રે તેમના ઘરે અચાનક જ છાતીમાં દુ:ખાવો થતા હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.
અન્ય બે બનાવમાં મધ્ય પ્રદેશના વતની કાંતિલાલ મેઘવાળ (ઉ.વર્ષ 36)નામનો યુવક ફ્રૂટની ડિલિવરી કરવા ટ્રકના ડ્રાઇવર સાથે રાજકોટ આવ્યો હતો અને રાત્રે ઊંઘમાં જ તેને હાર્ટ એટેક આવ્યો હતો. ડ્રાઈવરે તેને હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ ઉપરાંત આરટીઓ પાછળ હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા મધુભાઈ સાંબડ (ઉ.વર્ષ 46) સાંજે શાકભાજી ભરીને રિક્ષામાં જતા હતા ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર પહેલાં જ મોત થયું હતું. ચોથા કિસ્સામાં શહેરના 80 ફૂટ રોડ પર આવેલા કારખાનામાં કામ કરતા રમેશભાઈ અમીપરા (ઉ. વર્ષ 55)નું કારખાને બેઠા હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા હતા અને તેમનું મોત થયું હતું.
અરવલ્લીમાં બિલ્ડરને ગરબા રમતા મોત આવ્યું
અરવલ્લીમાં બિલ્ડર પ્રવીણભાઈ પટેલનું ગરબા રમતા હાર્ટ એટેક આવ્યો હતો. મોડાસાની કોરલ સિટીમાં રહેતા બિલ્ડરનું મોત થતાં સમાજમાં શોકનો માહોલ છવાયો છે.
સુરરતમાં બે યુવકો ઢળી પડ્યા
સુરતના લિંબાયતના યુવક સહિત બેના બેભાન થયા બાદ મોત થયાં છે. હાર્ટ એટેક બાદ મોત થયા હોવાની શક્યતા છે.