દીવના વણાકબારાથી 70 કિમી દૂર મધદરિયે “નિરાલી” ફિશિંગ બોટ અને એક મોટા જહાજ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે આ બોટમાં 7 ખલાસીઓ સવાર હતા જેમાંથી 3 ખલાસીનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. જ્યારે 4 ખલાસીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બોટ હાલ દરિયામાં ગુમ છે, જેને શોધવા માટે તંત્રએ કામગીરી તેજ કરી છે.
સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે 16 દિવસથી દરિયામાં ફિશિંગ કરીને 4 માર્ચની રાત્રે પરત ફરી રહી હતી. ત્યારે રાત્રે 10 થી 11 વાગ્યાની આસપાસ અચાનક એક મોટા જહાજ સાથે અથડાતાં બોટ પલટી મારીને ડૂબી ગઈ. બોટ સાથે દુર્ઘટનામાં 7 ખલાસીઓ ગુમ થાય હતા અને તમામ માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 3 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 3 ખલાસીઓને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે બોટના કપ્તાન અને બીજા 3 સાથી ખલાસી લાપતા છે. જેમની શોધખોળ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈ દરિયાઈ સુરક્ષાના મુદ્દે ચર્ચા શરૂ થઈ છે, અને તંત્ર દ્વારા બચાવ કામગીરી સતત ચાલી રહી છે.
