સુરત: આનંદ-ઉલ્લાસના લગ્નપ્રસંગમાં દીકરીની વિદાય વેળાનો પ્રસંગ હસતી આંખોને પળભરમાં આંસુથી છલકાવી દે છે. વિદાયની વસમી વેળા દીકરીનાં માતા-પિતા અને પરિવારનું હૈયું હલાવી મૂકે છે. માંડવો જ નહિ, આખો માહોલ હીબકે ચઢે છે. આવો જ માહોલ દીકરી જગતજનની લગ્નોત્સવમાં સર્જાયો હતો. વિદાયગીતો સાથે વિદાયપ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી.
પીપી સવાણી ગ્રુપ અને જાનવી લેબગ્રો ગ્રુપ આયોજિત “દીકરી જગતજનની” ભવ્ય લગ્નોત્સવમાં શનિવારે 150 દીકરીઓના લગ્ન બાદ રવિવારે પણ 150 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. આ સાથે કુલ 300 યુગલની લગ્નવિધિ સંપન્ન થઈ હતી. આજે નવદંપતીને આશીર્વાદ આપવા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, ડો. મહેન્દ્ર મુંજપરા સહિતના રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ, સમાજના અગ્રણીઓ, સંતો ઉપસ્થિત રહ્યા હતા. આજે સવાણી પરિવારના બે દીકરા મોનાર્ક અને સ્નેહ સવાણી પણ દીકરી જગતજનનીના આંગણે માંડવા રોપાયા હતા. રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને સમાજ અગ્રણીઓને હસ્તે કન્યાદાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૧,૩૮,૨૮૩ લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો હતો.
પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ, અબ્રામામાં રવિવારની સાંજે ફરી એક વાર શનિવારની માફક જ ઢોલ ઢબુક્યા અને લાઇવ સંગીત સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સૂરીલો માહોલ સર્જાયો હતો. આજે વધુ 150 દીકરીઓ નવજીવનની કેડી કંડારવા નીકળી હતી. આ ઉપરાંત સવાણી પરિવારના બે દીકરા સ્નેહ રાજુભાઈ સવાણી અને મોનાર્ક રમેશભાઈ સવાણી પણ આ જ માંડવે લગ્નગ્રંથિથી જોડાયા હતા.
તમામ નવદંપતીને આશીર્વાદ આપવા માટે પધારેલા કેન્દ્રના મત્સ્ય અને પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યુ હતુ કે સવાણી પરિવારને આંગણે આ અતિ વિશિષ્ટ સમૂહલગ્નનું આયોજન છે. આ સમૂહલગ્ન સુરતની ઓળખ અને પરંપરા બની ગયા છે. મહેશભાઈના આ ભગીરથ કાર્યને ભોળાનાથ ક્યારેય અટકવા નહિ દે એવી હું પ્રાર્થના કરું છું.
કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાએ દીકરીઓને સલાહ આપતાં કહ્યું હતું કે સાસુ-સસરાને જ તમારાં માતા પિતા માનજો. આ વર્ષનો સમગ્ર લગ્નસમારોહ પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી પર્વને સાદર અર્પણ કરાયો છે.
કન્યા વિદાય વખતે કરુણતા વ્યાપી
પાલક પિતા મહેશભાઈને ભેટીને દીકરીઓ સાસરા તરફ ડગ માંડી રહી હતી ત્યારે મહેશભાઈ પણ પોતાનાં આંસુ રોકી શક્યા ન હતા.