અમદાવાદઃ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 11 મો દિવસ છે. ત્યારે આ મામલે સરકારે કોઈપણ પ્રતિક્રિયા અત્યાર સુધી નહોતી આપી પરંતુ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મામલે હવે ઊર્જાપ્રધાન સૌરભ પટેલે આ મામલે પ્રતિક્રિયા આપી છે. મહત્વનું છે કે આરોગ્ય વિભાગ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પાસે છે પરંતુ તેઓ વિદેશ પ્રવાસે ગયા હોવાથી તેમની જવાબદારી સૌરભ પટેલને સોંપવામાં આવી છે.
સૌરભ પટેલે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મામલે નિવેદન આપતા જણાવ્યું કે સરકાર બંધારણના નિયમો અનુસાર જે કંઈપણ હશે તે મદદ કરશે. કોઈપણ વ્યક્તિ રાજ્ય સરકાર સમક્ષ પોતાની સમસ્યાનો ઉકેલ લઈને આવી શકે છે. આ તકે સૌરભ પટેલે કોંગ્રેસ પર આક્ષેપો કરતા જણાવ્યું કે પાટીદાર આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે અને આજે પણ કોંગ્રેસના લોકો હાર્દિકને સલાહ આપી રહ્યાં છે. હાર્દિકના આરોગ્ય અંગે નિયમિત થતી તપાસ મામલે સૌરભ પટેલે જણાવ્યું કે હાર્દિક તેનું મેડિકલ ચેકઅપ કરવા આવતા ડોક્ટર્સને સહકાર આપતો નથી અને સાથે સૌરભ પટેલે હાર્દિકને ડોક્ટરોની સલાહ માનવા જણાવ્યું છે.
સૌરભ પટેલે જણાવ્યું કે સરકાર ખેડૂતોને તમામ મુદ્દે સહાય આપવા માટે તૈયાર છે અને ખેડૂતોને પાણી પહોંચાડવા માટે સરકારે અનેક પ્રયત્નો કર્યા છે. તેમણે જણાવ્યું કે સરકારે મગફળી, તુવેર, અને ચણાની ટેકાના ભાવે ખરીદી કરી છે અને આવનારા દિવસોમાં સરકાર ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયત્નશિલ રહેશે. સૌરભ પટેલે જણાવ્યું કે પાટીદાર સમાજ સમજુ છે અને આંદોલન પાછળ કોણ છે તે સમાજ જાણે છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતાં પટેલે કહ્યું કે, જેઓ હાર્દિકને ટેકો આપે છે તેમના દ્વારા અનામતનો કોઇ પણ ઉલ્લેખ કરવામાં આવતો નથી. કોંગ્રેસ તરફથી અનમાત મુદ્દે કોઇ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. રાજ્યના પાટીદાર સમજે છે, અને જાણે છે કે આંદોલન પાછળ કોણ છે અને કોના દ્વારા નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે. આ મામલે હવે પાટીદાર સમાજે જાગૃત રહે તેવી આશા રાખીએ છે.
રાજય સરકાર તરફથી અપીલ કરતાં કેબિનેટ પ્રધાને જનતાને અપીલ કરી કે આ રાજકીય આંદોલનને રાજકીય રીતે જ સમાપ્ત કરવું પડે તે જરૂરી છે. જનતાએ તેના માટે યોગ્ય નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસ ગુજરાતમાં અશાંતિ ફેલાવવા માગે છે, જેને સમજીને હવે આ મુદ્દે શાંતિથી વાતચીતનો રસ્તો અપનાવવો જોઇએ.