અમદાવાદઃ ડુંગળીની કિંમતોમાં નોંધપાત્ર વધારો થવાને કારણે આમ આદમી હેરાન-પરેશાન છે, ત્યારે રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા રાહત દરે ડુંગળી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં નાફેડ બેનર હેઠળના ટેમ્પાઓ ફરતા થયા છે, જેમાં સસ્તા ભાવે ડુંગળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
ડુંગળીના અસહ્ય ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે, તો વિવિધ હોટલો, ખાણી-પીણી લારીઓ પર પણ ડુંગળીના બદલે અન્ય સલાડ આપવામાં આવી રહ્યું છે. માર્કેટમાં રૂપિયા 60થી 70ના ભાવે મળતી પ્રતિ કિલો ડુંગળી લોકોને રડાવી રહી છે, ત્યારે લોકોને રાહત દરે ડુંગળી આપવા ગુજરાત સરકાર અને નાફેડ દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં નાફેડના ડુંગળી ભરેલા ટેમ્પાઓ ફરતા થયા છે, જે નાગરિકોને સસ્તા ભાવે ડુંગળીનું વેચાણ કરી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નાફેડ બેનર હેઠળના ટેમ્પાઓ દ્વારા હાલ પ્રતિ કિલો રૂ. 25ના ભાવે ડુંગળીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નાફેડના ટેમ્પાઓ દ્વારા વેચાણ કરવામાં આવતા કેન્દ્ર પરના એક કર્મચારીઓ જણાવ્યું હતું કે લોકોને રાહત દરે ડુંગળી મળી રહે એ માટે કેન્દ્ર સરકાર અને નાફેડ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. બજારમાં પ્રતિ કિલો 60થી 70 રૂપિયે ભાવ ચાલી રહ્યો છે, ત્યારે નાફેડ દ્વારા સસ્તા ભાવે 25 રૂપિયે કિલો ડુંગળી અપાતા નાગરિકોને પણ મોંઘવારી સામે આંશિક રાહત મળી છે. હાલ એક ટેમ્પા/ટ્રકમાં અંદાજે દોઢ ડન ડુંગળીનો જથ્થો હોય છે. અગાઉ નાફેડ દ્વારા સસ્તા ભાવે દાળનું વેચાણ કરવામાં આવ્યું હતું.