શહેરમાં ત્રિદિવસીય ‘આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવ’ યોજાશે

અમદાવાદઃ શહેરમાં આંતરરાષ્ટ્રીય સાહિત્ય મહોત્સવ 24, 25 અને 26 નવેમ્બરે આયોજિત થશે. આ સાહિત્ય મહોત્સવની થીમ ‘સાહિત્ય અને માનવ વિકાસ’ (લિટરેચર અને હ્યુમન ડેવલપમેન્ટ) છે. આ ત્રિદિવસીય સાહિત્ય મહોત્સવનું ઉદઘાટન ડો. જસ્ટિસ કે. જે. ઠાકરને હસ્તે થશે. CEE અમદાવાદમાં આ મહોત્સવમાં ઠાકરની સાથે ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનના ચેરપર્સન IAS ડો. એસ. કે. નંદા (નિવૃત્ત) અને એક્ટર અને કવિ અખિલેશ મિશ્રાની સાથે આ મહોત્સવના સંસ્થાપક ઉમાશંકર યાદવ 24 નવેમ્બરે ઉપસ્થિત રહેશે.

આ મહોત્સવના મેન્ટર ડો. એસ. કે. નંદાએ સંવાદદાતા સંમેલનમાં જણાવ્યું હતું કે વિશ્વમાં માનવીય મૂલ્યાં કથળી રહ્યાં છે, એને જોતાં માનવીય વિકાસમાં સાહિત્યની ભૂમિકાની તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. વિવિધ વિષયો જેવા કે રચનાત્મક ઉદ્યોગો અને સ્કૂલો, માનસિક આરોગ્ય, નારીવાદી લેખન, પાર્ટિશન (ભાગલાવાદી) સાહિત્ય ઉત્તર-પૂર્વ સાહિત્ય, વૈશ્વિક સાહિત્ય, બાળકોનું સાહિત્ય, સામાજિક પ્રોજેક્ટ્સ અને કવિતાનાં સેશનોની ભૂમિકા અને જરૂરિયાતને સમજવા અને વિચારવિમર્શ કરવા માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાહિત્ય મહોત્સવનો ઉદ્દેશ મનુષ્યોની આંધળી દોટ વચ્ચે વ્યાપક દ્રષ્ટિકોણ, સમાવેશીકરણ, દયા અને પોતાપણાની ભાવના પેદા કરવાનો છે.

આ સાહિત્ય મહોત્સવમાં મુખ્ય વક્તાઓ ફિલ્મ અભિનેતા રાજેન્દ્ર ગુપ્તા, યશપાલ શર્મા અને અખિલેન્દ્ર મિશ્રા છે. આ કાર્યક્રમમાં પત્રકાર મયંક શેખર, ડો. શિરીષ કાશીકર, જ્યોતિ યાદવ, ગીતકાર, ડો. સાગર, પત્રકાર અને લેખક શિરીષ ખરે, IAS ડો. હીરા લાલ અનેકુમુદ વર્મા ભાગ લેશે.

આ ઉપરાંત રાજપીપળા રાજ્યના ભૂતપૂર્વ પ્રિન્સ, માનવેન્દ્ર સિંહ ગોહિલ, ન્યુરોલોજિસ્ટ પદ્મશ્રી ડો. સુધીર વી. શાહ, અભિનેતા અને કવિ રવિ યાદવ, પ્રો. સુનીલ મહેશ્વરી- IIMA, સાહિત્યિક એજન્ટ અને લેખક પ્રીતિ ગિલ, નોર્થ ઇસ્ટના પ્રો. કેબી વેઇઓ પોઉ અને વિદ્યાર્થી લેખક અને આફ્રિકી દેશો અને બંગલાદેશના લેખક પણ વિવિધ વિષયો પર તેમના વિચારો રજૂ કરશે. આ સાથે જાણીતા કવિ હર્ષ બ્રહ્મભટ્ટ, કૃષ્ણ દવે અને અનિલ ચાવડા પણ ભાગ લેશે.

આ મહોત્સવના સંસ્થાપક ઉમાસંકર યાદવે જણાવ્યું હતું કે દેશ-વિદેશમાંથી વિવિધ ક્ષેત્રોના 100થી વધપ વક્તાઓ અને કલાકારો ત્રણ દિવસના 30થી વધુ સત્રોમાં ભાગ લેશે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં સ્કૂલો, કોલેજ અને યુનિવર્સિટીના પ્રોફેસરો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ ભાગ લેવાના છે. આ મહોત્સવમાં કઝાકિસ્તાનના નાઝ ગ્રુપ દ્વારા બેલે ડાન્સ પણ કરવામાં આવશે.  આઇકોન એજ્યુકેશન ફાઉન્ડેશનની પહેલ દ્વારા યોજનારા આ મહોત્સવને ગુજરાત ટુરિઝમ, ઇનરટેક ફ્યુઅલ સોલ્યુશન્સ પ્રા. લિ. GMDC અને ONGC સહિત આઇકોન બારકોડ સોલ્યુશન્સ પ્રા. લિ.એ સહયોગ પૂરો પાડ્યો છે.