આજે મહાશિવરાત્રિ… કચ્છના 470 વર્ષના ઈતિહાસમાં ક્યારેય ન થઈ હોય એવી શિવકથા 19 ફેબ્રુઆરીથી શરુ થઈ જે આગામી 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. નવ દિવસની અદ્વિતીય કથાનું ભૂજના કૈલાશ માનસરોવર ધામમાં ત્રીસ લાખ રુદ્રાક્ષના બનેલા, ઊંચાઈમાં વિશ્વમાં પ્રથમ એવા શિવલિંગ સમક્ષ હજારો ભક્તો જળાભિષેક કરી રસપાન કરી રહ્યા છે.
હા, રુદ્રાક્ષના ઊંડા અભ્યાસુ મૂળ મહુઆના કુંભણના અને હાલ ધરમપુર (વલસાડ) રહેતા શિવકથાકાર બટુકભાઈ વ્યાસના વ્યાસાસને આ શિવમહાપુરાણ કથા ચાલી રહી છે એમાં સૌથી મોટું આકર્ષણ વિશ્વનું સૌથી ઊંચું રુદ્રાક્ષનું શિવલિંગ છે. એકલવ્ય જેવા લક્ષ્યવેધી બટુકભાઈને ઓળખીએ એ પહેલાં ભૂજમાં યોજાયેલા આ અનોખા આયોજન વિશે જાણી લઈએ.
ભૂજ ખાતે પ્રથમ વખત યોજાયેલી આ કથામાં શિવમહાપુરાણ ઉપરાંત દરરોજ મહારુદ્ર યજ્ઞ, સમૂહ રુદ્રાભિષેક, વગેરે કાર્યક્રમો સાથે 108 દીવડાની મહાઆરતી, મહાશિવલિંગ દર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. રુદ્રાક્ષના મહાશિવલિંગના સ્થાપન માટે ચાર-ચાર વખત ‘લિમ્કા બુક ઑફ રેકૉડર્સ’થી સમ્માનિત બટુકભાઈ વ્યાસ વ્યાસાસનેથી કથાશ્રવણ કરાવી રહ્યા છે.
34 વર્ષથી કથાશ્રવણ કરાવતા શ્રી વ્યાસજી દ્વારા કથાસ્થળે ત્રીસ લાખ રુદ્રાક્ષના બનેલા સવા પાંત્રીસ ફૂટ ઊંચા મહાશિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે પહેલો જ પ્રશ્ન એ થયો કે આ માટે કચ્છની પસંદગીનું કારણ?
ગુજરાતનાં મોટાં શહેરોમાં અને રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત રાજ્યોમાં અને છેક કૈલાશ માનસરોવર ખાતે પણ શિવકથા કરી ચૂકેલા બટુકભાઈ વ્યાસ ‘ચિત્રલેખા’ સાથે વાત કરતાં કહે છે કે, ‘મને લાગ્યું કે કચ્છ બાકી રહી ગયું છે. કચ્છ વિશે મને વિશેષ પ્રેમ છે, કારણ કે પાટું મારીને પાણી કાઢનારો પ્રદેશ કચ્છ ધીંગી ધરા, શૂરવીરો અને વિચારકોની ભૂમિ છે. ક્રાંતિ કચ્છના લોહીમાં વહી રહી છે ત્યારે હવે સૌથી ઊંચા શિવલિંગ સાથેની શિવકથા મારે કચ્છમાં કરવી છે. ભૂજમાં મને ઈશ્વરગિરિભાઈ ગોસ્વામીનો સહયોગ મળ્યો, રુદ્રાક્ષ મહાશિવલિંગ સમિતિ રચાઈ અને આ શક્ય બની ગયું.’
રુદ્રાક્ષ મહાશિવલિંગ સમિતિના ઈશ્વરગિરિભાઈ અને માવજીભાઈ પણ ‘ચિત્રલેખા’ સાથે વાત કરતાં કહે છે કે કચ્છ માથે અનેક વખત દુકાળ, વાવાઝોડું, ભૂકંપ જેવી આપત્તિઓ આવી ગઈ છે ત્યારે માત્ર કચ્છ પર જ નહીં, રાષ્ટ્ર પર કોઈ પણ આફત ન આવે એવા સંકલ્પ સાથે ભૂજમાં જ આવી ભવ્ય કથાનું આયોજન કરવાનું અમે વિચાર્યું.
રુદ્રાક્ષનું જ શિવલિંગ શા માટે?
બટુકભાઈ વધુમાં કહે છે કે રુદ્રાક્ષ સ્વયં શિવ છે. મહાદેવ શિવનું લિંગ સ્ફટિકનું, પથ્થરનું, પંચધાતુનું, ક્યાં ચાંદી અને સોનાનું પણ જોવા મળશે, પણ હું મારી શિવરાત્રિની નિત્ય શિવલિંગ પૂજા કરતો હતો ત્યારે એક વખત શિવલિંગને રુદ્રાક્ષની માળા પહેરાવતાં લિંગ ઢંકાઈ ગયું ત્યારે મને વિચાર આવ્યો કે રુદ્રાક્ષનું જ શિવલિંગ જ બનાવવામાં આવે તો? અને એ વિચારધારાનાં મંડાણ માત્ર 1000 રુદ્રાક્ષના 11 ઈંચના શિવલિંગથી થયાં. એ પછી તો હું દરેક નવી કથા કરતી વખતે રુદ્રાક્ષની સંખ્યા અને શિવલિંગની ઊંચાઈ વધારતો ગયો. રુદ્રાક્ષ એ જ શિવલિંગ સ્વરૂપ છે એથી રુદ્રાક્ષ પરના જળાભિષેકને શિવલિંગાર્યન માનવામાં આવે છે, જેમ કે આજે ભૂજમાં દરેક ભક્ત ત્રીસ લાખ શિવલિંગ (રુદ્રાક્ષ) પર જળાભિષેક દરરોજ કરે છે. ત્રીસ લાખ રુદ્રાક્ષ પર અભિષેક એટલે ત્રીસ લાખ શિવલિંગાર્યન કે જે વ્યક્તિ એમના જીવનપર્યંત ક્યારેય કરી શકતી નથી. જેમ જેમ રુદ્રાક્ષની સંખ્યા વધતી ગઈ તેમ 2009, 2011, 2013 અને 2015માં ‘લિમ્કા બુક ઑફ રેકૉડર્સ’એ એની નોંધ લીધી. હાલ નવો વિક્રમ સ્થપાયો છે એની પણ નોંધ લેવામાં આવશે. છેલ્લે મેં 25 લાખ રુદ્રાક્ષના 33 ફૂટ ઊંચા શિવલિંગ સાથે કથા કરી હતી.
આ ભગીરથ કાર્યના પ્રણેતા બટુકભાઈ એ ગુજરાતના જાણીતા કથાકાર શરદભાઈ વ્યાસ, પંકજભાઈ વ્યાસ અને ભરતભાઈ વ્યાસના બંધુ છે. હવે તો એમના ભત્રીજા આશિષ વ્યાસ પણ શિવકથા કરે છે.
અહેવાલઃ સુનીલ માંકડ
તસવીરો: અરવિંદ નાથાણી