અમદાવાદઃ રાજ્યના જૂનાગઢમાં નકલી આર્મી મેન બનેલા એક યુવકે છ લોકો સાથે રૂ. 10 લાખની છેતરપિંડી કરી છે. આ શખસે આર્મીમાં કેપ્ટન અને હાલ NSA દિલ્હીમાં હોવાની ઓળખ આપી એક યુવકને રેલવેમાં લોકો પાઇલટની નોકરીની લાલચ આપી હતી. આ યુવાનને નોકરી ના મળતાં તેણે ફરિયાદ કરી હતી. જેથી પોલીસે મૂળ કોડીનાર તાલુકાના બાવા પીપળવાના નકલી કેપ્ટનની ધરપકડ કરી હતી. તેની પાસેથી નકલી આઈકાર્ડ, યુનિફોર્મ અને મોબાઈલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં રહેતો અને સ્પોટ્ર્સમાં રૂચિ ધરાવતો દિવ્યેશ ભરતભાઈ ભૂતિયાને ટ્રેનમાં આર્મીના કેપ્ટનના યુનિફોર્મમાં રહેલા કોડીનાર તાલુકાના બાવા પીપળવા ગામના પ્રવીણ ધીરુ સોલંકી સાથે પરિચય થયો હતો. પ્રવીણ સોલંકીએ પોતે આર્મીમાં કેપ્ટન હોવાની ઓળખ આપી હતી. પ્રવીણ સોલંકીએ દિવ્યેશનો સંપર્ક કરી રેલવેમાં નોકરી માટે 6 લાખ રૂપિયાની માગ કરી હતી. તેણે અલગ-અલગ સમયે 3.05 લાખ રૂપિયા પ્રવીણ સોલંકીને ગૂગલ પેથી ટ્રાન્સફર કર્યા હતા. ચાર-પાંચ માસનો સમય વિતી ગયા બાદ દિવ્યેશ ભૂતિયાને કોઈ નોકરી મળી ન હતી તેમજ પૈસા પણ પરત આવ્યા ન હતા. આખરે દિવ્યેશ ભૂતિયાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે નકલી કેપ્ટન પ્રવીણ સોલંકી સામે છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ અંગે ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે દિવ્યેશ ભૂતિયાની ફરિયાદના આધારે નકલી આર્મી કેપ્ટન પ્રવીણ ધીરૂ સોલંકીની બાવા પીપળવાથી ધરપકડ કરવામાં આવી છે.