સાયન્સ સીટીમાં રોબોટ સહેલાણીઓને ગાઈડ કરશે

અમદાવાદઃ આપણે અત્યારસુધી ફિલ્મોમાં રોબોર્ટને કામ કરતા જોયા છે જે માત્ર કાલ્પનિક હોય છે. પરંતુ અમદાવાદમાં હવે આ વાસ્તવિકતા બની છે. સાયન્સ સીટીમાં હવે રોબોટ માણસોને ગાઈડ કરશે કારણ કે હવે દેશની સર્વપ્રથમ ગેલરી અમદાવાદના સાયન્સ સિટીમાં બની રહી છે.

આગામી સમયમાં ૧પ૦ જેટલા રોબોટ સાયન્સ સીટીમાં આવેલા સહેલાણીઓને ગાઈડ કરતા દેખાશે એટલું જ નહીં, ચા-કોફી પણ સર્વ કરતા દેખાશે. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સસિટીમાં તાજેતરમાં જ રોબો વેઇટરનું ડેમોન્સ્ટ્રેશન હાથ ધરાયું છે એટલું જ નહીં, મુખ્યપ્રધાન વિજય રૂપાણીની કચેરીમાં પણ એક રોબો વેઈટર દ્વારા ચા-કોફી સર્વ કરવા માટે ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું. તેથી હવે ભવિષ્યમાં પ્રધાનમંડળની બેઠકમાં કે પ્રધાનોની કેબિનની બહાર હવે પ્યુન ચા કે કોફીની ટ્રે ઊંચકતા નહીં જોવા મળે તેના બદલે રોબો વેઈટર આ કામગીરી કરતા દેખાશે.

અમદાવાદ ખાતેના સાયન્સ સિટીમાં સહેલાણીઓના સ્વાગત અને માર્ગદર્શન માટે ૧પ૦ રોબોટ તૈયાર કરાયા છે. કેમ્પસમાં ૧૦ હજારથી વધુ જગ્યામાં રોબોટિક ગેલેરી આકાર પામી રહી છે. આ ગેલેરીમાં સહેલાણીને પ્રવેશતાંની સાથે જ તમને રપ ફૂટ ઊંચાે એક મોટો રોબોટ જોવા મળશે. આ ગેલેરીની ચારે બાજુ એક બેટરીથી ચાલતી ઓટોમે‌િટક કારનો ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે.

રોબોટ ગેલેરીમાં એક રોબો રિશેપ્સનિસ્ટ પણ રાખવામાં આવશે. કેટલાક રોબોટ ગાઇડ પણ રાખવામાં આવ્યા છે, જે સહેલાણીઓને ગેલેરી વિશે ગાઇડ પણ કરશે. આ રોબોટ ગેલેરીમાં એક રોબો પેઇન્ટર પણ રાખવામાં આવશે, જે ગેલેરીમાં આવેલા મુલાકાતીઓનાં પેઇ‌િન્ટંગ બનાવશે. આ રોબોટિક ગેલેરીમાં ૧ર જેટલા રોબોટ સાથે ‘રોબો કાફે’ પણ બનાવવામાં રહ્યું છે.

કાફેમાં પ્રવેશતાંની સાથે જ એક રોબોટ વેલકમ કરશે. જ્યારે કોઈ વ્યક્તિ ટેબલ પર બેસશે ત્યારે અન્ય એક રોબોટ આવીને તેની પાસેથી તમે મેનુમાંથી કઇ વસ્તુ ખાવાનું પસંદ કરશો તે પૂછશે. ત્યારબાદ આ રોબોટ ઓર્ડર લઇને કિચનમાં કામ કરતા શેફ રોબોટને આપેલા ઓર્ડરની વસ્તુ બનાવવાનું કહેશે. જ્યારે શેફ રોબોટ દ્વારા બનાવાયેલા તમારા ઓર્ડરને વેઈટર રોબોટ દ્વારા તમને સર્વ કરાવશે.

રોબો કાફે ગેલેરી ઉપરાંત રોબો હિસ્ટ્રી ગેલેરી, રોબો સ્પોર્ટ્સ ગેલેરી, બોટ્યુલિટી ગેલેરી, રોબો નાટ્ય મંડળ ગેલેરી સહિત કુલ ૧૧ ગેલેરી બની રહી છે, જેમાં સહેલાણીઓને રોબોની તમામ વિગત મળશે. આગામી મે માસમાં આ ગેલેરી અમદાવાદના નાગરિકો માટે ખુલ્લી મુકાશે. હાલમાં પ્રાયોગિક ધોરણે બે રોબો સર્વિસ ચાલુ કરવામાં આવી છે.