કોલકાતામાં શિક્ષણપ્રધાનનો રોડ શો, 35,000થી વધારે સહભાગીઓની અપેક્ષા

ગાંધીનગરઃ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ – 2019ની નવમી આવૃત્તિ આગામી મહિનામાં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે. જે અંતર્ગત કોલકાતા સ્થિત સ્વિસ હોટલમાં ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રોડ-શો યોજાયો હતો.  આ રોડ શોમાં શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે હકારાત્મક નીતિઓ મહત્વની છે.

રોડ-શોમાં ઉપસ્થિત રહેલા શહેરના આઈટી ક્ષેત્રના નિષ્ણાતો અને ઉદ્યોગપતિઓને સંબોધતાં શિક્ષણ પ્રધાને વાયબ્રન્ટ ગુજરાત સમિટની નવમી આવૃત્તિની થીમ વિશે માહિતી આપી હતી.

આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવાનું આમંત્રણ આપવાની સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, “અમે આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં 35,000 થી વધારે સહભાગીઓની અપેક્ષા રાખીએ છીએ, જેમાં માત્ર ઉદ્યોગપતિઓ અને રોકાણકારો જ નહી પરંતુ વિશાળ સંખ્યામાં વેપારીઓ, નિકાસકારો અને આયતકારોનો પણ સમાવેશ થાય છે.” વાયબ્રન્ટ ગુજરાત 2019માં નેટવર્કીંગ અને બીટુબી ઈન્ટરએક્શન પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રસ્તાવ છે.

જેથી કરીને બાયર સેલર મીટ તેમજ ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ કોન્કલેવ ઈવેન્ટ્સના હેતુને પૂર્ણ કરવા સુસંગતતા રહેશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, તમે માત્ર પરંપરાગત ઉત્પાદનમાં જ નહી, પરંતુ નાણાકીય સેવાઓ, એરોસ્પેસ, સંરક્ષણ, ઈલેક્ટ્રોનિક્સ, લોજીસ્ટિક્સ, રીટેલ, પર્યટન, મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં પણ ગુજરાતમાં રહેલી વ્યવસાયિક તકોને ઓળખી શકશો.

શિક્ષણ પ્રધાને રાજ્યના અન્ય મેગા પ્રોજેક્ટ્સ જેવા કે, ધોલેરા સ્થિત સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રીજન, માંડલ-બેચરાજી રીજન, ગિફ્ટ સિટી, પીસીપીઆઈઆર સ્થિત સાયખા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, કોસ્ટલ ઈકોનોમિક ઝોન, કચ્છ અને ભારતનો પ્રથમ 1 GW ઓફશોર વિન્ડ એનર્જી પાર્ક, દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર અને અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન વિશે માહિતી આપી હતી.

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ ઔદ્યોગિક વિકાસની સાથે-સાથે આયુષ્યમાન ભારત કાર્યક્રમના અસરકારક અમલીકરણ દ્વારા રાજ્યના નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ અને શિક્ષણ પ્રદાન કરવા રાજ્ય સરકારના પ્રયત્નો વિશે ભારપૂર્વક જણાવ્યું હતું.  શિક્ષણ અને કૌશલ્ય વિકાસના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, “સરકાર વૈશ્વિક સંસ્થાઓ અને કોર્પોરેશનો સાથે મળીને કૌશલ્ય વિકાસ માટે માળખું વિકસિત કરવા અને કાર્યક્રમો શરૂ કરવા પર ભાર મૂકે છે” આ પ્રકારના કૌશલ્ય વિકાસનો હેતુ રાજ્યના કર્મચારીઓને વધારે કૌશલ્યવાન બનાવાનો છે.

રાજ્ય સરકારે રાજ્યમાં ઔધોગિક મૂડી રોકાણ માટેની પ્રોએક્ટીવ નીતિઓ અમલમાં મુકીને રોકાણ કઈ રીતે વધારી શકાય અને વધુને વધુ લોકોને રોજગારી આપી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.ફાઈલ ચિત્ર

શિક્ષણ પ્રધાને કહ્યું હતું કે વાઈબ્રન્ટ સમિટ ગુજરાતમાં રોકાણ આકર્ષવા માટે શરુ કરવામાં આવી હતી પરંતુ હાલમાં આ સમિટ સમગ્ર વિશ્વના દેશો માટે એક પ્લેટફોર્મ બની રહ્યું છે. સાથે સાથે દેશના અન્ય રાજ્યના લોકો માટે પણ વૈશ્વિક વ્યાપારિક સંસ્થાઓ તથા લોકો સાથે જોડાવાનું માધ્યમાં બન્યું છે.

ગુજરાતમાં રોકાણની શક્યતાઓ વિશે વાત કરતા રાજ્યના પંચાયત, ગ્રામીણ આવાસ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્રસચિવ એ.કે.રાકેશે કહ્યું હતું કે ” ગુજરાત દેશનું અગ્રણી ઔધોગિક રાજ્ય છે તથા સૌથી વધુ શહેરીકરણ ધરાવતું અર્થતંત્ર છે. સાથે-સાથે ગુજરાત માથાદીઠ આવક, જીડીપી વિકાસદર જેવી બાબતોમાં પણ અન્ય રાજ્યો કરતા ખુબ આગળ છે. ગુજરાતની આર્થિક સમૃદ્ધિ રાજ્ય સરકારની નીતિઓ, આંતરમાળખાકીય સુવિધાઓ અને રાજ્યની વ્યુહાત્મક ભૌગોલિક પરિસ્થિતિને આભારી છે. ગુજરાત પહેલેથી જ સ્થાનિક અને વૈશ્વિક રોકાણકારોની પહેલી પસંદ રહ્યું છે. આ સાથે રાજ્યમાં આવેલા બંદરો આયાત-નિકાસ માટેના ગેટવે માનવામાં આવે છે અને વ્યાપાર ઉધોગોને વિશ્વના મોટા ઔધોગિક કેન્દ્રો સાથે સરળતાથી જોડે છે.

શિક્ષણ પ્રધાને સ્થાનિક ઉધોગપતિઓ અને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને રાજ્ય સરકારની નીતિઓથી તેમને અવગત કરાવ્યા હતા તથા આગામી વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું હતું.ઉલ્લેખનીય છે કે આ પહેલાં રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં નવી દિલ્હી અને મુંબઈમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 રોડ શોનું આયોજન કરવામા આવ્યું હતું.