છેલ્લાં ચાર વર્ષોમાં ખાનગીમાંથી સરકારી સ્કૂલોમાં જવાનો ઊંલટો પ્રવાહ

અમદાવાદઃ યુવા કપલ સંજય અને અંકિતા પ્રજાપતિ મણિનગરમાં એક ખાનગી કંપનીમાં કામ કરે છે. તેમનો પુત્ર પ્રિન્સ છઠ્ઠા ધોરણમાં અને પુત્રી જાસ્મિન ચોથા ધોરણમાં – ખાનગી સ્કૂલ પૂજા વિદ્યાલયમાં ભણે છે. તેમણે હાલમાં ખાનગી સ્કૂલમાંથી તેમનાં બંને સંતાનોનાં એડમિશન રદ કર્યાં અને સરકારી ઇન્દ્રપુરી સરકારી પ્રાઇમરી સ્કૂલમાં મૂકી દીધાં. તેમનું માનવું છે કે ખાનગી સ્કૂલનું શિક્ષણ સંતોષજનક ના હોવાથી તેમણે આ પગલું લીધું છે. તેમણે જ્યાં તેમનાં સંતાનોને શિક્ષણ લેવા સરકારી સ્કૂલમાં મૂક્યાં છે, એ સ્કૂલનું શૈક્ષણિક કાર્ય આશ્ચર્યનજક રીકે સરસ છે અને તેમના બંને સતાનોના સાપ્તાહિક ટેસ્ટમાં પણ પર્ફોર્મન્સ સુધર્યું છે, એમ સંજય પ્રજાપતિએ કહ્યું હતું. તેઓ બંને જણની કમાણી મહિનેદહાડે રૂ. 30,000 છે. સરકારી સ્કૂલમાં મફત શિક્ષણ હોવાથી હવે તેમની બચત પણ થાય છે અને તેઓ કુટુંબના અન્ય ખર્ચાઓને પહોંચી વળે છે.

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં શૈક્ષણિક ક્ષેત્રે ઊંધો પ્રવાહ જોવા મળી રહ્યો છે. માતાપિતા તેમનાં બાળકોને ખાનગી સ્કૂલોને બદલે સરકારી શાળાઓમાં મૂકતાં થયાં છે, એમ સરકારનો શિક્ષણ વિભાગનો ડેટા કહે છે.

છેલ્લા ચાર વર્ષોમાં ધોરણ એકથી આઠ સુધી 11.3 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલોમાંથી નીકળીને સરકારી સ્કૂલોમાં એડમિશન લીધું છે, એમ શૈક્ષણિક વિભાગે કહ્યું હતું. કોરોના રોગચાળાના સમયે 2020-21 અને 2021-22માં સૌથી વધુ વિદ્યાર્થીઓ અનુક્રમે 2.85 લાખ અને 3.49 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલો છોડીને સરકારી સ્કૂલોમાં એડમિશન લીધાં હતાં.અગાઉ વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલો છોડીને ખાનગી સ્કૂલોમાં એડમિશન લેવાનો પ્રવાહ હતો અને હાલમાં એ વલણ ઊંધું જોવા મળે છે, એમ મુખ્ય શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું.