મોદીજીના જન્મદિને 8 ચિત્તા ભારત લવાશે

નવી દિલ્હીઃ લગભગ 70 વર્ષ પૂર્વે ભારતમાંથી નામશેષ થઈ ગયેલા ચિત્તા પ્રાણી હવે ફરી ભારતના જંગલમાં ફરતા જોવા મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ, 17 સપ્ટેમ્બરે 8 ચિત્તાને નામીબિયાથી ખાસ વિમાન દ્વારા ભારત લાવવામાં આવશે. ભારત સરકારે મોકલાવેલું એ વિમાન નામીબિયાના પાટનગર વિંડહોક પહોંચી પણ ગયું છે. ચિત્તાઓને મધ્ય પ્રદેશના કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં રાખવામાં આવશે.

નામીબિયાથી ભારત લવાયા બાદ 17 સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદીની ઉપસ્થિતિમાં એ ચિત્તાઓને એમના નવા નિવાસસ્થાનમાં છોડવામાં આવશે. આ ચિત્તાઓને બોઈંગ 747-400 વિમાન દ્વારા નામીબિયાના પાટનગર વિંડહોકથી લાવવામાં આવશે. વિમાનને રાષ્ટ્રીય પ્રાણી વાઘના ચહેરાની જેમ રંગવામાં આવ્યું છે. વિમાનમાં ચિત્તાઓને ખાસ પાંજરામાં રાખવામાં આવશે. એ પાંજરાને મુખ્ય કેબિનમાં રાખવામાં આવશે. એ વખતે વિમાનમાં પશુ નિષ્ણાત ડોક્ટરોની એક ટીમ પણ હાજર રહેશે. વિમાનને ઈંધણ ભરાવવા માટે પણ ક્યાંય રોકવામાં નહીં આવે. એને સીધું વિંડહોકથી જયપુર લાવવામાં આવશે. જયપુરથી હેલિકોપ્ટર મારફત ચિત્તાઓને કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં લઈ જવામાં આવશે.

આ આઠ ચિત્તામાં પાંચ માદા અને ત્રણ નર ચિત્તા છે. માદા ચિત્તાની વય બેથી પાંચ વર્ષની છે જ્યારે નર ચિત્તાની વય 4.5 વર્ષથી 5.5 વર્ષની છે. આ ચિત્તા 2021ના જુલાઈથી નામીબિયાના ચિત્તા સંરક્ષણ પાર્કમાં રહે છે.